શહેરામાં મતદારોને રૂપિયા-LED ટીવીની લાલચ આપતો વીડિયો વાયરલ, આચારસંહિતા ભંગની ફરિયાદ
Viral Video : ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આગામી 22 જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે શહેરા તાલુકાના ડેમલી ગામની ચૂંટણીમાં આચાર સંહિતાનો ભંગ થયો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ડેમલી ગ્રામ પંચાયતના સરપંચના મહિલા ઉમેદવાર મંજુલાબહેન રાજેશ ભરવાડના સમર્થક દ્વારા મતદારોને પ્રલોભનો આપતો વીડિયો વાયરલ થતાં શહેરા પોલીસ મથકે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરપંચ પદના ઉમેદવાર મંજુલાબહેન રાજેશભાઈ ભરવાડના પતિ રાજેશભાઈ ઉર્ફે લાલાભાઈ જેઠાભાઈ ભરવાડે 16મી જૂને મંજૂરી વિના જાહેર સભા યોજી હતી. જેમાં મતદારોને આકર્ષવા મોટી લ્હાણીની જાહેરાત કરી હતી. મરણ પ્રસંગે 5,100 રૂપિયા, લગ્ન પ્રસંગમાં 24 ઇંચનું એલઇડી ટીવી અને અઢી મણ અનાજની બોરી આપવાના વિવિધ પ્રલોભનો અને લાલચ આપતો વીડિયો વાયરલ થયો છે.
વાયરલ વીડિયોને લઈને ચૂંટણી અધિકારી સમક્ષ આદર્શ આચાર સંહિતા ભંગની લેખિત અરજી કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સમગ્ર મામલે શહેરા ટીડીઓએ સરપંચ પદના ઉમેદવાર મંજુલાબહેન ભરવાડ અને તેમના પતિ રાજેશ ઉર્ફે લાલાભાઈ ભરવાડ સામે આચાર સંહિતાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.