વડોદરા: મગરે કરેલા હુમલામાં એક વર્ષમાં આઠ વ્યક્તિના મોત, રૂ. 65 લાખ વળતર ચૂકવાયું
Baroda News : વિશ્વામિત્રી નદીના પટમાં હાલ 442 મગરનો વસવાટ હોવાના આંકડા તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યા છે. વિશ્વામિત્રી ઉપરાંત ઓરસંગ અને ઢાઢર નદીમાં પણ મોટી સંખ્યામાં મગરનો વસવાટ હોવાથી મગરના હુમલાના બનાવ બાબતે તપાસ કરતાં એક વર્ષમાં મગરના હુમલામાં કુલ 8 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યુ છે. આ મામલે રાજ્ય સરકારે મૃતકોના પરિવારને રૂ.65 લાખનું વળતર ચૂકવ્યું છે.
એક વર્ષમાં મગરના હુમલામાં 8ના મોત
સુત્રોના જણાવ્યા પ્રમાણે, મગર દ્વારા માનવ પર હુમલાના જે બનાવ બન્યા છે તે તમામ બનાવ વડોદરા જિલ્લામાં બન્યા છે. શહેરમાં મગર દ્વારા હુમલાનો એક પણ બનાવ નોંધાયો નથી. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સુત્રોએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મગર માનવ પર હુમલો કરતા નથી પરંતુ તેમને જ્યારે એવુ જણાય કે, તે અથવા તો તેના ઇંડા સુરક્ષિત નથી ત્યારે તે હુમલો કરે છે. જિલ્લામાં નદી કિનારા પર મગરથી સાવચેત રહો તેવા બોર્ડ મુકવામાં આવ્યાં હોવા છતાં લોકો નદીમાં જાય છે. જેમાં મગર દ્વારા હુમલાના બનાવ બને છે.
વન ખાતાના સુત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે જંગલી પ્રાણી દ્વારા હુમલો કરીને માનવને ઇંજા પહોંચાડવામાં આવે અથવા તો તેનું મૃત્યુ નિપજાવવામાં આવે ત્યારે સરકાર દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. અગાઉ મૃતકના પરિવારને રૂ.5 લાખની સહાય આપવામાં આવતી હતી તે, સહાયમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે મૃતકના પરિવારને રૂ.10 લાખની સહાય ચૂકવાય છે. વર્ષ 2024-25માં વડોદરા જિલ્લામાં મગરે કરેલા હુમલામાં 8 લોકોના મોત થતાં મૃતકના પરિવારજનોને સહાય ચૂકવવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરાની સંસ્થાએ શ્રાધ્ધ પક્ષમાં પાંજરાપોળની ગાયોને પડિયા-પતરાળામાં ભોજન કરાવ્યું
માછલી, પક્ષી અને સુવર મગરનો મુખ્ય ખોરાક
શહેરમાં વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરનો મુખ્ય ખોરાક માછલી, પક્ષી અને સુવર છે. આ ઉપરાંત નદીમાં ઘણી હોટલો હજી પણ નોનવેજનો કચરો ફેંકતા હોવાથી તે પણ મગરનો ખોરાક છે. જ્યારે જિલ્લામાં ઓરસંગ, ઢાઢર અને વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરો નદી કિનારે પાણી પીવા માટે આવતા કુતરા, સુવર અને પશુનો પણ શિકાર કરે છે. મગર માનવનું માસ ખાતા હોય તેવો એક પણ બનાવ શહેરમાં નોંધાયો નથી. ખાસ કરીને મેટિંગ સમયે નદી કિનારે આવેલા માનવથી જ્યારે મગરને ખતરો જણાય ત્યારે જ તે હુમલો કરે છે. મગરના હુમલાના મોટાભાગના બનાવ જાન્યુઆરીથી જૂન દરમિયાન બને છે.
વર્ષમાં દીપડાએ 73 પશુનું મારણ કર્યુ
જ્યારે જિલ્લામાં દિપડાએ માનવ પર હુમલો કર્યો હોય તેવો એક પણ બનાવ નોંધાયો નથી. પરંતુ જિલ્લાના વિવિધ ગામમાં ત્રાટકેલ દીપડાએ વર્ષ 2024-25માં 73 પશુના મારણ કરતા નિયમ મુજબ પશુ માલિકોને રૂ.4,12,000ની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવી હોવાનું વનખાતાના સુત્રોએ જણાવ્યું હતું.