વડોદરાની સંસ્થાએ શ્રાધ્ધ પક્ષમાં પાંજરાપોળની ગાયોને પડિયા-પતરાળામાં ભોજન કરાવ્યું
Vadodara : અત્યારે ચાલી રહેલા શ્રાધ્ધ પર્વમાં લોકો પિતૃઓના આત્માની શાંતિ અર્થે પૂજા કરાવે છે અને જમણવાર પણ રાખે છે ત્યારે વડોદરાની સંસ્થાના કાર્યકરોએ ગૌશાળામાં સેંકડો ગાયોને પતરાળામાં જમણ કરાવ્યું છે.
જે રીતે કોઈ કાર્યક્રમમાં પગંત પડે અને પતરાળામાં લોકોને જમવાનું પિરસવામાં આવે તે જ રીતે શહેરની સંસ્થા શ્રવણ સેવા ફાઉન્ડેશને કરજણ ખાતેની સ્વ.દિલિપ પરેશ અશોક ચંદ શાહ પાજરાપોળ ખાતે ગાયોને આજે જમાડવામાં આવી હતી.
ગાયો માટે પહેલા તો પતરાળા ગોઠવવામાં આવ્યા હતા અને પછી તેના પર અલગ અલગ વાનગીઓ પિરસવામાં આવી હતી. એ પછી એક સાથે સેંકડો ગાયોને પતરાળામાં ભોજન કરાવવામાં આવ્યું હતું.
સંસ્થાના નિરવ ઠક્કર કહે છે કે, ગાયોને ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત અને ફળ મૂકવામાં આવ્યા હતા. આપણે જે રીતે ઘરે જમીએ છે તે જ રીતે ગાયોને જમાડવામાં આવી હતી. ગાયોને તકલીફના પડે તે માટે પડિયા અને પતરાળા વૃક્ષોના પાનમાંથી તૈયાર કરાવવામાં આવ્યા હતા. અમારા સુખદ આશ્ચર્ય વચ્ચે ગાયો અને નંદીઓએ પતરાળા સફાચટ કરી નાંખ્યા હતા. આપણે શહેરમાં જોતા હોઈએ છે કે, લોકો શ્રાધ્ધ નિમિત્તે પિતૃઓના તર્પણ માટે જ્યાં પશુ આવવાની સંભાવના હોય ત્યાં ભોજન મૂકી દેતા હોય છે. ઘણી વખત આ ભોજનનો વેડફાટ થાય છે. તેની જગ્યાએ પાંજરાપોળમાં પણ લોકો પશુઓને આ રીતે જમાડી શકે છે.
તેમનું કહેવું છે કે, સંસ્થા દ્વારા શ્રાધ્ધ પક્ષ નિમિત્તે કાગડા ભોજન પણ કરાવાઈ રહ્યું છે. જે વિસ્તારોમાં કાગડાની સંખ્યા વધારે હોય ત્યાં સવારે અને સાંજ ડ્રાઈફ્રુટ, સેવ સહિતની સામગ્રી તેમને પિરસવામાં આવે છે. આપણી ધાર્મિક માન્યતા પ્રમાણે કાગડા પિતૃઓના વાહક મનાય છે.