વડોદરાથી મુંબઈ, દિલ્હી, પૂના અને ગોવા જતી આઠ ફ્લાઇટ કેન્સલ થઇ
પાંચ દિવસમાં હજારો મુસાફરો કફોડી હાલતમાં મૂકાયા

વડોદરા : વડોદરાથી રોજ સેકડોની સંખ્યામાં પ્રવાસીઓ ફ્લાઇટ મારફતે દિલ્હી,મુંબઇ અને હૈદરાબાદ સહિતના શહેરમાં અવર જવર કરી રહ્યાં છે ત્યારે આજે એક સાથે આઠ ફ્લાઇટ કેન્સલ થતા અગાઉથી વિવિધ કામોનું પ્લાનિંગ કરીને બેઠેલા પેસેન્જરોની હાલત કફોડી બની જવા પામી હતી. આજે મુંબઇ, દિલ્હી અને પુના સહિતની પાંચ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવ્યા બાદ રાત સુધીમાં કુલ આઠ ફ્લાઇટ કેન્સલ થઇ હોવાનું એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું.
એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે ઓપરેશનલ કારણોસર જે ફ્લાઇટ
રદ કરવામાં આવી છે તેમાં, વડોદરાથી મુંબઈ જતી ફ્લાઇટ નંબર ૬ઈ-૫૧૨૬/૬૦૮૭
અને વડોદરાથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર ૬ઈ-૫૦૬૬/૬૬૬૨ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત,
વડોદરાથી પૂણે જતી ફ્લાઇટ નંબર ૬ઈ-૬૨૪૧/૬૨૪૫ પણ રદ્દ કરવામાં આવી
છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે હૈદરાબાદથી વડોદરા અને ત્યારબાદ વડોદરાથી
ગોવા જતી ફ્લાઇટ નંબર ૬ઈ-૨૧૭૮/૧૦૫ પણ રદ્દ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી
છે.
જ્યારે રાત્રે એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે
રાત સુધીમાં ઇન્ડિગોની તમામ ફ્લાઇટ સહિત કુલ આઠ ફ્લાઇટ કેન્સલ થઇ હતી. આમ, એક જ દિવસમાં આઠ ફ્લાઇટ કેન્સલ થતા એક હજારથી વધુ પ્રવાસીઓની હાલત કફોડી
બની ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, ડીજીસીએ દ્વારા નવા નિયમો લાગુ
કરવામાં આવ્યા બાદ સ્ટાફનો અભાવ સર્જાતા એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ કેન્સલ કરવામાં
આવી રહી છે.

