વડોદરામાં શાંતિ ડહોળવા પ્રયાસ: ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકાતા ભારે રોષ, શંકાસ્પદોની અટકાયત
Vadodara News: વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર મંગળવારે (26મી ઓગસ્ટ) વહેલી સવારે મદાર માર્કેટ નજીક અજાણ્યા શખસોએ ઈંડા ફેંક્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ શાંતિપ્રિય શહેરમાં તંગદિલીનું વાતાવરણ સર્જી દીધું છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાની જાણ થથા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને શંકાસ્પદ ત્રણ જેટલા વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા છે.
જાણો શું છે મામલે
વડોદરામાં એક તરફ ગણેશ ઉત્સવની પૂર્વ તૈયારી જ ચાલી રહી છે ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાની સ્થાપના થઈ રહી છે વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વો વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. માંજલપુર નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશજીની સ્થાપના કરતા પૂર્વે આગમન યાત્રા કાઢવામાં આવે છે. ત્યારે મંગળવારે (26મી ઓગસ્ટ) વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યા દરમિયાન પાણીગેટથી માંડવી તરફ આગમન યાત્રા પસાર થઈ રહી હતી. ત્યારે સીટી પોલીસ સ્ટેશનની નજીક કેટલાક અસામાજિક તત્ત્વોએ ગણેશજીની પ્રતિમા પર ઈંડાં ફેકી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.
ગણેશજીની મૂર્તિ પર પર ઈંડા ફેકતા ભારે હોબાળો થયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોકને સમજાવટથી મામલો શાંત પાડ્યો હતો અને ઈંડાં ફેકનાર તત્ત્વો સામે કાર્યવાહી કરવા ગણેશ મંડળ દ્વારા અરજી આપવામાં આવી હતી. આ બનાવવાની જાણ થતા કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલ ભાજપના કોર્પોરેટરો પૂર્વ કોર્પોરેટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ ઘટનાને વખોડી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્ત્વો સામે પગલાં ભરવા માંગણી કરી હતી. હાલમાં આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને શંકાસ્પદ ત્રણ જેટલા વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા છે.