રૂ. 2 હજાર 672 કરોડના બૅન્ક કૌભાંડ કેસમાં ગુજરાત-બંગાળ સહિત 3 રાજ્યોમાં કાર્યવાહી, 13 સ્થળો પર સર્ચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bank Fraud Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 2,672 કરોડ રૂપિયાના કથિત શ્રી ગણેશ જ્વેલરી બૅંક છેતરપિંડી કેસના સંદર્ભમાં કોલકાતા, હૈદરાબાદ અને અમદાવાદ સહિત કુલ 13 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીથી સંભવિત રાજકીય જોડાણો અંગે પણ સવાલો ઊભા થયા છે, કારણ કે ઈડી પશ્ચિમ બંગાળમાં ઘણા હાઇ-પ્રોફાઇલ મની લોન્ડરિંગ કેસોની તપાસ કરી રહી છે.
અમદાવાદ અને હૈદરાબાદમાં પણ કાર્યવાહી
અહેવાલો અનુસાર, દરોડા પૈકીના 10 સ્થળો કોલકાતામાં હતા, જ્યારે હૈદરાબાદ અને અમદાવાદમાં પણ એક-એક જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ મુખ્યત્વે શ્રી ગણેશ જ્વેલરી પર બૅંક લોન છેતરપિંડી આચરવાના આરોપોના સંદર્ભમાં ચાલી રહી છે.
મંત્રીના કાર્યાલય સુધી ઈડીની તપાસ
આ દરોડા દરમિયાન, રાજ્યના અગ્નિશમન સેવા મંત્રી સુજીત બોઝના સોલ્ટ લેક સ્થિત કાર્યાલય પર પણ ઈડીની તપાસ હેઠળ આવ્યું હતું. આ ઉપરાંત, દક્ષિણ કોલકાતાના ન્યુ અલીપોર, શરત બોઝ રોડ, અને ઉત્તર કોલકાતાના નાગરબજાર જેવા મહત્ત્વના વિસ્તારોમાં પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ઈડીએ ન્યુ અલીપોરમાં કોલકાતા હાઈકોર્ટના એક વરિષ્ઠ વકીલના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
અન્ય મની લોન્ડરિંગ કેસોની પણ તપાસ ચાલુ
આ દરોડાની સાથે ED પશ્ચિમ બંગાળમાં અન્ય બે મની લોન્ડરિંગ કેસોની પણ સમાંતર તપાસ કરી રહી છે. જેમાં એક કેસ મ્યુનિસિપલ નોકરીઓમાં કથિત લાંચ લેવાના કૌભાંડ સાથે સંબંધિત છે, અને બીજો એક અન્ય બૅંક લોન છેતરપિંડીના કેસ સાથે સંબંધિત છે. ઈડીની આ વિસ્તૃત કાર્યવાહીએ પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોના રાજકીય તથા વ્યાવસાયિક વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.








