Get The App

ગાંધીનગરના ઈન્દ્રોડામાં રિક્ષાચાલકની નિર્મમ હત્યા, માથાના ભાગે અત્યંત ગંભીર ઈજા; શંકાના આધારે તપાસ શરૂ

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગરના ઈન્દ્રોડામાં રિક્ષાચાલકની નિર્મમ હત્યા, માથાના ભાગે અત્યંત ગંભીર ઈજા; શંકાના આધારે તપાસ શરૂ 1 - image


Gandhinagar Crime News: ગાંધીનગર નજીક આવેલા ઇન્દ્રોડા ગામમાં આજે (14 ઑક્ટોબર) સવારે એક ગમખ્વાર હત્યાની ઘટના સામે આવી છે. 42 વર્ષીય રિક્ષાચાલક અરજણ ઠાકોરની લાશ ઇન્દ્રોડા ગામના ઐતિહાસિક કિલ્લા પાસેથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે મૃતકની કોઈ હથિયારથી ક્રૂરતાપૂર્વક ફટકા મારીને હત્યા કરવામાં આવી છે.

ઇન્દ્રોડા ગામના રહેવાસી અરજણ ઠાકોર સોમવારે સવારે રોજની જેમ રિક્ષા લઈને ધંધા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. પરિવારને શંકા હતી કે મૃતકને દારૂ પીવાની ટેવ હોવાથી તેમનો અવારનવાર કિલ્લા વિસ્તારમાં જતો હતો. આ શંકાના આધારે સવારે કિલ્લાના નજીક તપાસ કરતાં તેમની લાશ મળી આવી હતી. મૃતકના માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન હતા. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. 

પોલીસે જણાવ્યું હતું કે મૃતક દારૂ પીવાની ટેવવાળો હોવાથી અવાવરું વિસ્તારમાં મિત્રો સાથે આવ્યો હોવો જોઈએ. ધોકા જેવા હથિયારથી ઉપરા છાપરી ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે અને હત્યાના કારણો શોધવા માટે અલગ અલગ પાસાઓ પર તપાસ શરૂ કરી છે.

પોલીસ લૂંટના ઇરાદે હત્યા થઈ છે કે અંગત દુશ્મનીના કારણે તે અંગે તપાસ કરી રહી છે. આ ઉપરાંત, મૃતકના મોબાઇલ ડેટા અને આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી હત્યારા સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પોલીસ હાલમાં મૃતકના મિત્રવર્તુળ સહિતના લોકોની પૂછપરછ કરવાની તજવીજ કરી રહી છે.


Tags :