VIDEO: જ્યારે ઈકો ફ્રેન્ડલીની વાત પણ નહોતી થતી, ત્યારથી સુરતના ગોપીપુરામાં થાય છે માટીના ગણેશની સ્થાપના
Ganesh Chaturthi 2025 : ગ્લોબલ વોર્મિંગના કાણે હાલ શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમા માટે લોક જાગૃતિ થઈ રહી છે, પરંતુ સુરતના કોટ વિસ્તાર એવા ગોપીપુરામાં 1968 થી એક મંડળ ગણેશોત્સવ કરે છે તેમાં પહેલા વર્ષથી જ ઈકો ફ્રેન્ડલી માટીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ આ મહોલ્લામાં આવતા વર્ષે શ્રીજીની પ્રતિમા આપવા માટેનું બુકિંગ પણ હાલ ચાલતા ગણેશોત્સવ દરમિયાન થઈ જાય છે. સાથે આ મંડળમાં શ્રીજીને સફરજનનો પ્રસાદનું પણ અનેરું મહત્ત્વ રહેલું છે.
સુરતના ગોપીપુરા મોઢેશ્વરી મહાદેવ ગણેશ મંડળ દ્વારા 1968થી ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારથી આજ સુધી પીઓપી પ્રતિમા સ્થાપવા આવી નથી. તેનું કારણ આપતા હાર્દિક ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, 'અમારા વડીલોએ માટીની પ્રતિમા મુકીને ગણેશજીની આરાધના શરૂ કરી હતી. તે પરંપરા અમે આજે પણ જાળવી રાખી છે. દર વર્ષે મંગલ મૂર્તિ તથા અન્ય એક માટીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. તે સિવાય બીજી કોઈ પ્રતિમાની સ્થાપના કરવામાં આવતી નથી. અને ગણેશોત્સવના એક વર્ષ પહેલા પ્રતિમાનું બુકિંગ થઈ જાય છે અને દાતા પોતાની માનતા સાથે પ્રતિમા આપે છે.'
આ પણ વાંચો: સુરતના કોટ વિસ્તારમાં ગણપતિજીના ભવ્ય દરબાર, એકથી એક ચડિયાતા પંડાલમાં ભક્તોની ભીડ
અહીં સફરજનના પ્રસાદનું મહત્ત્વ જણાવતા તેમણે કહે કે, 'વર્ષોથી બ્રાહ્મણો દ્વારા અભિમંત્રિત કરીને સફરજનનો પ્રસાદ આનંદ ચૌદશના દિવસે આપવામાં આવે છે. એવી માન્યતા છે કે, ગણેશજીને ચઢાવવામાં આવેલું સફરજન અભિમંત્રિત કરીને મહિલાને પ્રસાદ તરીકે આપવામાં આવે તો જેમને બાળકો ન થતાં હોય તેમને બાળકો થાય છે. એવી માન્યતા એટલે છે કે, અહીંના આ પ્રસાદ બાદ અનેક મહિલાઓના ખોળા ભરાયા છે તેવું ફળિયાના લોકોનું કહેવું છે.'