આરતીનો સમય, પ્રસાદ કેન્દ્રો અને પાર્કિંગ... અંબાજી આવતા પદયાત્રીઓ માટે 'ઇ-મંદિર' વોટ્સએપ ચેટબોટની સુવિધા
Banaskantha News : બનાસકાંઠા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજવાનો છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સલામતી, સુરક્ષા અને સગવડને ધ્યાનમાં રાખીને પૂરતી તૈયારી કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેલા દરમિયાન શ્રદ્ધાળુઓને આરતીનો સમય, પ્રસાદ કેન્દ્રો અને પાર્કિંગ સંબંધિત માહિતી મળી રહે તે માટે ઈ-મંદિર વોટ્સએપ ચેટબોટની સુવિધા ઉપલબ્ધ કરાશે.
29 સમિતિની રચના
અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શ્રદ્ધાળુઓને યોગ્ય સુવિધા મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 29 સમિતિની રચના કરાઈ છે. આ સમિતિ પીવાના પાણી, વીજળી, પાર્કિંગ, અને પ્રસાદ વિતરણ જેવી તમામ વ્યવસ્થાઓની જવાબદારી સંભાળશે.
ઈ-મંદિર વોટ્સએપ ચેટબોટની સુવિધા
ભાદરવી પૂનમના મેળામાં ભક્તોને વધુ સુવિધા માટે ઈ-મંદિર વોટ્સએપ ચેટબોટ શરૂ કરાશે. જેમાં માઈભક્તોને ઘરેબેઠા પણ મંદિર વિશેની તમામ માહિતી ઈ-મંદિર વોટ્સએપ ચેટબોટ દ્વારા મેળવી શકશે. તેમજ શ્રદ્ધાળુઓ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર માતાજીના અખંડ જ્યોતના લાઈવ દર્શનકરી શકશે.
આ પણ વાંચો: અંબાજીના ભાદરવી પૂનમ મહામેળા માટે એસ.ટી.નિગમની મેગા તૈયારી, 5500 વધારાની બસો દોડાવાશે
એસ.ટી.નિગમ 5500 વધારાની બસો દોડાવાશે
અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા કુલ 5500 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 સુધી આ વિશેષ બસોનું સંચાલન થશે. આ બસો મુખ્યત્વે અંબાજીથી ગબ્બર, દાંતા, પાલનપુર, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા રૂટ્સ પર દોડશે, જેથી રાજ્યભરમાંથી આવતા યાત્રાળુઓ સરળતાથી અંબાજી પહોંચી શકે.
400 ડ્રોનથી અદભૂત લાઈટ શો યોજાશે
અંબાજી ખાતે યોજાવનાર આ મેળામાં સૌપ્રથમ વખત ભવ્ય ડ્રોન લાઈટ શો યોજાશે. જેમાં આગામી 3-4 સપ્ટેમ્બરની રાત્રે 8:30 વાગ્યે જો વરસાદનું વિઘ્ન ન નડે તો 400 ડ્રોન થકી અદભૂત લાઈટ શો યોજાશે. ડ્રોન શોમાં રંગબેરંગી લાઈટ વડે 'અંબે મા', 'જય માતાજી'ના લખાણ, 'ત્રિશૂળ' સહિતની વિવિધ પ્રતિકૃતિ બતાવાશે.