Get The App

દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ ઍલર્ટ

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ ઍલર્ટ 1 - image


Dwarka Rain News : દેવભૂમિ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરુ કરી છે. બપોરે 2 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પવનના સુસવાટા સાથે પડેલા સાંબેલાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના દ્વારકા સહિત રાજ્યના 8 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 13 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

બપોરે 2 વાગ્યાથી 4 સુધીના વરસાદના આંકડા 

આજે બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 2 કલાકમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના માંડવીમાં 1.61 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 1.42 ઇંચ, કચ્છના નખત્રાણામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં સરેરાશ 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.  
દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ ઍલર્ટ 2 - image

દ્વારકા નગરીમાં પાણી ભરાયા

દ્વારકાના ઇસ્કોન ગેટ અને ભદ્રકાળી ચોકમાં પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત, ભગવાન દ્વારકાધીશના જગત મંદિર અને છપ્પન સીડી પરથી વહેતા વરસાદી પાણીનો અદ્ભુત નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારે વરસાદને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ ઍલર્ટ 3 - image

ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટ બન્યા

દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે. જામ કલ્યાણપુર અને લાંગા જેવા ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ભાટિયા, રાવલ, ટંકારિયા, પાનેલી, ભોગાત, નાવદ્રા, લાંબા, ધૂમથર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.
દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ ઍલર્ટ 4 - image

રેડ ઍલર્ટ 

હવામાન વિભાગ દ્વારા 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી 8 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. 

ઑરેન્જ ઍલર્ટ 

જ્યારે બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં ઑરેજ ઍલર્ટ જાહેર કરવામાં કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્ય અન્ય જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીના વરસાદના આંકડા

આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં દ્વારકાના કલ્યાણપુરમાં 4.25 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 3.75 ઇંચ અને વલસાડના ઉમરગામમાં 1.75 ઇંચ વરસાદ પડ્યો છે. કુલ 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાંથી 23 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાક માટે આ વરસાદ 'કાચા સોના' સમાન સાબિત થયો છે.


Tags :