Get The App

VIDEO: દ્વારકામાં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: દ્વારકામાં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર 1 - image


Dwaraka Rain: રાજ્યમાં હાલ પૂરજોશમાં ચોમાસું જામ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત બાદ આજે સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં રોડ પર પાણી ફરી વળ્યા હતા. આજે વહેલી સવારથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દ્વારકાની ગલીઓમાં જાણે નદીઓ વહી રહી હોય એવા દૃશ્યો નજરે પડી રહ્યા છે. દ્વારકાધીશ મંદિરની સીડીઓ પર ખળખળ વરસાદી પાણી વહી રહ્યા છે. 

અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો વલસાડના કપરાડામાં 3.5 ઇંચ, ધરમપુરમાં 3.46, દ્વારકાના કલ્યાણપુરમાં 3.43 ઇંચ, તાપીના વ્યારામાં 3.35 ઇંચ, ડાંગ-આહવામાં 3.11 ઇંચ અને તાપીના સોનગઢમાં 3.07 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 13 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ, જ્યારે 10 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. 


ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઇંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઇંચ, વલસાડમાં 3.23 ઇંચ, વાપીમાં 3.15 ઇંચ, વાવ તાલુકામાં 3.0 ઇંચ અને કલ્યાણપુરમાં 3.0 ઇંચ વરસાદ નોંધાયો છે. 

VIDEO: દ્વારકામાં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર 2 - image

હવામાન વિભાગની આગાહી

ગુજરાત હવામાન વિભાગ દ્વારા વધુ એક વાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જો કે ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે. 

ક્યાં ક્યાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગ અનુસાર, શનિવારે (પાંચમી જુલાઈ) ભાવનગર, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાતના અન્ય તમામ જિલ્લાઓમાં વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું હતું.

છઠ્ઠી અને સાતમી જુલાઈની આગાહી

રાજ્યમાં આગામી છઠ્ઠી અને સાતમી જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

આઠમીથી 10મી જુલાઈની આગાહી

આઠમી જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, 9 જુલાઈએ નવસારી અને વલસાડ અને 10 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

Tags :