રાજકોટમાં બેફામ ડમ્પર ગરબા પંડાલમાં ઘૂસ્યું, 3 વીજપોલ તોડી નાખ્યા, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
Rajkot Accident: રાજકોટમાં જામનગર રોડ પર આવેલા મનહરપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક બેકાબૂ ડમ્પરચાલકના આતંકને કારણે ગરબા પંડાલમાં ભયનો માહોલ ફેલાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલા ડમ્પરે ત્રણ વીજપોલ તોડી પાડ્યા બાદ સીધું ગરબા પંડાલમાં ઘૂસી ગયું હતું. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચોઃ જામીન બાદ ચૈતર વસાવા જેલમાંથી મુક્ત, AAP નેતા અને સમર્થકોએ ઢોલ-નગારા સાથે કર્યું સ્વાગત
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, આ ઘટના જામનગર રોડ પર મનહરપુરા વિસ્તારમાં બની હતી. ડમ્પરચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન બેકાબૂ બન્યું હતું. ડમ્પર એટલી ઝડપે હતું કે તેણે રસ્તામાં આવતા ત્રણ વીજળીના થાંભલા તોડી નાખ્યા હતા. ત્યારબાદ તે સીધું નજીકમાં જ આવેલા ગરબા પંડાલમાં ઘૂસી ગયું હતું, જેને કારણે આખો પંડાલ જમીનદોસ્ત થઈ ગયો હતો.
જાનહાનિ ટળી
આ ઘટના સમયે ગરબા પંડાલમાં લોકોની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, અચાનક થયેલા આ અકસ્માતને કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.