અમદાવાદમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો, બંને ગંભીર રીતે દાઝ્યા
Ahmedabad News: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મંગળવારે રાત્રે એક કમકમાટીભરી ઘટના બની હતી. કુબેરનગર પાસેના આઝાદ ચોક વિસ્તારમાં એક બ્યુટી પાર્લરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા અને બુમરાણ મચતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, બ્યુટી પાર્લર ચલાવતી પરિણીતાનો તેના પતિ સાથે લાંબા સમયથી ઘરેલુ ઝઘડો ચાલતો હતો. મંગળવારે રાત્રે પતિ અચાનક દુકાને આવ્યો અને પત્ની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. આ દરમિયાન મહિલાની માતા વચ્ચે પડતા ઝઘડો વધુ વકર્યો હતો.
આ પણ વાંચો: ડાંગના આહવામાં મેઘો મુશળધાર : 9 ઇંચ વરસાદ ખાબકતાં નદીઓમાં ઘોડાપૂર, એક તણાયો
આ ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ અચાનક જ પત્ની અને સાસુ પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને તેમને આગ ચાંપી દીધી હતી. બાદમાં તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ચીસાચીસ સાંભળીને આસપાસના દુકાનદારો અને પડોશીઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. તેમણે પાણી નાખીને આગ ઓલવી હતી અને ગંભીર રીતે દાઝેલી માતા-પુત્રીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
ઘટનાની જાણ થતા જ સરદારનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરાર આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.