સીનસપાટા ભારે પડ્યા! પ્રતિબંધ છતાં ડુમસમાં મર્સિડીઝની એન્ટ્રી, બીચ પર ફસાઈ જતાં ક્રેઈન બોલાવવી પડી

Dumas Beach: સુરતના પ્રખ્યાત ડુમસ બીચ પર વાહનો લઈ જવા પર કડક પ્રતિબંધ હોવા છતાં, ધનવાન લોકો દ્વારા નિયમોના ભંગ કરતો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. નિયમોની અવગણના કરીને દરિયાકિનારે લઈ જવાયેલી એક મોંઘીદાટ મર્સિડીઝ કાર દરિયાની રેતીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને લગભગ 60 ટકા જેટલી પાણીમાં ડૂબી ગઈ હતી. જોકે, કાર ચાલકને આ સીનસપાટા ભારે પડ્યા હતા કારણ કે, કાર દરિયામાં ફસાઈ ગઈ હતી અને ભારે જહેમત બાદ માંડ-માંડ તેને બહાર કાઢવામાં આવી હતી.
પાણીનો પ્રવાહ વધતા કાર ફસાઈ
મળતી માહિતી અનુસાર, લાલ રંગની મર્સિડીઝ (નંબર: GJ 05 JH 5155) કારને ચાલક દ્વારા બીચના કિનારે ઊંડે સુધી રેતીમાં લઈ જવામાં આવી હતી. અચાનક દરિયાના પાણીનો પ્રવાહ વધતા કાર રેતીમાં ધસી ગઈ હતી. દરિયાના મોજાંનો માર એટલો જોરદાર હતો કે કારનો પાછળનો ભાગ મોટાભાગે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પાણીના પ્રવાહને કારણે કારની પાછળની ડીકી પણ ખૂલી ગઈ હતી. કારને બહાર કાઢવાના તમામ સ્થાનિક પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.
ક્રેઇન વડે કારનું રેસ્ક્યૂ
કાર ખરાબ રીતે ફસાઈ જતાં તેને બહાર કાઢવા માટે અંતે વિશાળ કાય ક્રેન મંગાવવાની ફરજ પડી હતી. ક્રેઇનની મદદથી મહા મહેનતે આ મોંઘી લક્ઝરી કારને રેતીમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જે નિયમભંગની બેદરકારી દર્શાવે છે.
પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી
આ બનાવની જાણ થતાં ડુમસ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કારના નંબર (GJ 05 JH 5155)ના આધારે તેના માલિક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. બીચ પર વાહનો લઈ જવાના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ માલિક સામે નિયમોનુસાર દંડ અથવા અન્ય સખત પગલાં લેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ડુમસ બીચ પર અગાઉ પણ અનેકવાર લક્ઝરી કાર ફસાઈ જવાની ઘટનાઓ બની ચૂકી છે, છતાં નિયમોના ધજાગરા ઉડાવવાનું યથાવત રહેતા તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે.

