તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધા હોવાથી ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ, GPSCના ચેરમેને આપી માહિતી
GPSC Drug inspector's interview cancelled : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી પ્રક્રિયાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે GPSCના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ કર્યા હોવાની જાણકારી આપી છે. આ સાથે કયા કારણોસર ભરતીના ઈન્ટરવ્યૂ રદ કર્યા છે અને આગામી દિવસોમાં ઈન્ટરવ્યૂ ફરી લેવાની તારીખ જાહેર કરવામાં આવશે તેને લઈને માહિતી આપી હતી.
GPSCના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'ગઈકાલથી આયોગમાં ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ શરૂ થયા છે. આજે સાંજે આયોગના ધ્યાન પર આવ્યું છે કે ઇન્ટરવ્યૂના એક તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધા હતા. તેને ધ્યાનમાં લઇ આયોગે બે દિવસ લીધેલા ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે, જે ઇન્ટરવ્યૂ ફરી લેવામાં આવશે. તારીખ હવે જાહેર કરવામાં આવશે. ભવિષ્યમાં આવું ન થાય તે માટે પેનલ મેમ્બર્સનું અગાઉથી લેખિતમાં આ અંગેનું ફોર્મ ભરાવવામાં આવશે.'
આ પણ વાંચો: 'GPSCના ઇન્ટરવ્યુમાં OBCમાં ઠાકોરોને પણ અન્યાય થાય છે', પૂર્વ MLA બળદેવજી ઠાકોરનો આક્ષેપ
અગાઉ GPSCના ઈન્ટરવ્યૂને લઈને થયા હતા અનેક સવાલો GPSCના ઇન્ટરવ્યુમાં ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે ઠાકોર સમાજના નેતા અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સોશિયલ મીડિયામાં GPSCના ઇન્ટરવ્યુમાં OBCમાં ઠાકોર સમાજના ઉમેદવારોને પણ અન્યાય થાય છે તેવી પોસ્ટ શેર કરી હતી. અગાઉ થોડા દિવસ પહેલા અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરીભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખીને GPSCના ઇન્ટરવ્યુમાં ચોક્કસ સમાજના ઉમેદવારોને આયોજનપૂર્વક ઓછા ગુણ આપવામાં આવ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા.