રવિવારની મધરાતથી ઝરમર વરસાદ , અમદાવાદમાં સોમવારે દિવસ દરમિયાન સરેરાશ એક ઈંચ વરસાદ
મ્યુનિસિપલ કોર્પોરેશને મોન્સૂન કંટ્રોલરુમ બંધ કર્યા પછી વરસાદ
અમદાવાદ,સોમવાર,27 ઓકટોબર,2025
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનના કારણે રાજયની સાથે
અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.રવિવારની મધરાતથી શહેરના મોટાભાગના
વિસ્તારમાં ઝરમર વરસાદ વરસવાનુ શરુ થયુ હતુ.સોમવારે પણ દિવસ દરમિયાન વરસાદ ચાલુ
રહેતા સાંજ સુધીમા શહેરમા સરેરાશ એક ઈંચ વરસાદ વરસી ગયો હતો.મ્યુનિસિપલ
કોર્પોરેશને ૧૫ ઓકટોબરથી મોન્સૂન કંટ્રોલરૃમ બંધ કર્યા પછી શહેરમા કમોસમી વરસાદ
વરસી પડતા તંત્ર તરફથી વરસેલા વરસાદ અંગે કોઈ વિગત મળી શકી નહોતી.આ મોસમમા
અમદાવાદમાં અત્યારસુધીમા ૪૪ ઈંચ વરસાદ વરસી ગયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે મોડી રાતથી શહેરના નવા વાડજ, રાણીપ,સાબરમતી, પાલડી,નવરંગપુરા, વાસણા સહીતના
અન્ય વિસ્તારમાં ધીમી ધારે કહી શકાય એ પ્રમાણેનો વરસાદ વરસતા રોડ ઉપર વરસાદી પાણી
ફરી વળ્યા હતા.સોમવારે સવારથી જ આકાશ કાળા વાદળોથી ગોરંભાયેલુ જોવા મળ્યુ હતુ.
એસ.જી.હાઈવે ઉપરાંત બોડકદેવની સાથે મણિનગર,
ઈસનપુર, નરોડા,કુબેરનગર સહીતના
વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.આ વર્ષે
નવરાત્રિમાં વરસાદના વિઘ્ન પછી લાભ પાંચમની રાતથી ફરીથી શરુ થયેલા વરસાદને કારણે
શહેરમા વાઈરલ ફીવર ઉપરાંત શરદી,
ખાંસી સહીતના અન્ય રોગના દર્દીઓની સંખ્યામા વધારો થવાની સંભાવના વ્યકત કરાઈ
છે.

