હવે ડ્રાઇવિંગ ટેસ્ટ વગર લાયસન્સનું 'સેટિંગ' નહીં થાય, ગાંધીનગરમાં હવે AI નક્કી કરશે કે પાસ છો કે નાપાસ
Gandhinagar News : ડ્રાઇવિંગ લાયસન્સ માટે ડ્રાઇવિંગની ટેસ્ટ આપતી વખતે સેન્સર, કેમેરા અને ઇન્સ્પેક્ટર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે, જ્યારે હવે ગાંધીનગરમાં આ સમગ્ર પ્રક્રિયામાં નવીનતમ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને નવી સિસ્ટમ ગોઠવવામાં આવશે. જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર AI કેમેરા દ્વારા દેખરેખ રખાશે. આમ AI કેમેરા ડ્રાઇવિંગ ટેસ્ટની આખી પ્રક્રિયાનું સંચાલિત થશે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર RTOમાં હાલ રોજના 200થી વધુ ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ થાય છે, ત્યારે AI સિસ્ટમથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર પાસ છે કે નાપાસ તેનો ડેટા સીધો સારથી ઍપ્લિકેશનમાં ઓનલાઇન અપડેટ થશે.
ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં ઘણી વખત 'સેટિંગ' થવાની શક્યતા રહેતી હોય છે, ત્યારે તેના કારણે અયોગ્ય અને ગેરકાયદે રીતે લાયસન્સ મેળવનાર લોકો દ્વારા અકસ્માતની સંભાવના રહે છે. અકસ્માતમાં માનવ મૃત્યુની ગંભીરતાને જોતાં સુપ્રીમ કોર્ટે 2030 સુધીમાં આ પ્રકારના અકસ્માતની ઘટનામાં 50 ટકા ઘટાડો કરવાનો ટાર્ગેટ છે. તેવામાં યોગ્ય અને કડક ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા કરવામાં આવે તે માટે AI દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટનો નિર્ણય અસરકારક સાબિત થશે. જ્યારે આ સિસ્ટમ આગામી દિવસોમાં શરુ થશે.