મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિવાસી જાતિના લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા, રોજગારી અને પરંપરાનો અનોખો સંગમ
Ambaji Bhadarvi Poonam Mela 2025 : શક્તિપીઠ અંબાજીમાં જગ વિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળા માઇભક્તોની અતૂટ શ્રદ્ધા સાથે રંગેચંગે ઉજવાય રહ્યો છે. જેમાં દુરદુરથી શ્રદ્ધાળુઓ કઠિન પગપાળા યાત્રા કરી મા અંબાના ધામમાં ઉમટી રહ્યા છે. જ્યાં મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મહામેળાના ત્રીજા દિવસે (ત્રીજી સપ્ટેમ્બર) 7.70 લાખ લોકોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યા હતા. મંદિરના ચારચચોકમાં હૈયે હૈયું દળાય તેટલા માઇભક્તો ઉમટી પડતાં સમગ્ર વાતાવરણ બોલ માડી અંબે..જય..જય..અંબેના નારાથી ગુંજી ઉઠતાં ભક્તિનો માહોલ છવાયો છે.
શક્તિપીઠ અંબાજી ખાતે ભરાઈ રહેલા મહા મેળાનો આજે ચોથો દિવસ છે. આ મેળામાં માતાજીના પ્રસાદનું વિતરણ એક અનોખી રીતે થઈ રહ્યું છે, જ્યાં ધાર્મિક શ્રદ્ધા સાથે આદિજાતિ સમાજની પરંપરા અને લોકસંગીતનો સુભગ સમન્વય જોવા મળે છે. “અંબાજી પ્રસાદ ઘર” માત્ર પ્રસાદ બનાવવાનું કેન્દ્ર જ નહીં, પરંતુ રોજગારી, ભક્તિ અને સાંસ્કૃતિક વારસાનું એક અનોખું સંગમ બન્યું છે.
ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી અને પ્રસાદ સમિતિના નોડલ કે. કે. ચૌધરીએ જણાવ્યું કે, તમામ માઇભક્તોને મા અંબેનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા દરમિયાન 27 જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, પ્રસાદ બનાવવાની કામગીરીમાં કુલ 700 જેટલા આદિવાસી કારીગરો આ પવિત્ર કાર્યમાં જોડાયા છે. અત્યાર સુધીમાં 651 ઘાણ પ્રસાદ તૈયાર કરાયો છે, જેમાં 80 ગ્રામના કુલ 25 લાખ પેકેટ તૈયાર કરાયા છે. તો બીજી તરફ અત્યાર સુધી 11 લાખથી વધુ પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે.
મેળા દરમિયાન કુલ 1000 ઘાણ પ્રસાદ બનાવવાનું આયોજન છે. એક ઘાણમાં કુલ 326.5 કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવે છે, જેમાં 100 કિલો બેસન, 150 કિલો ખાંડ, 76.5 કિલો ઘી અને 200 ગ્રામ ઇલાયચીનો ઉપયોગ થાય છે.
પ્રસાદ બનાવતી વખતે આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીતો ગાઈને ભક્તિમય વાતાવરણનું નિર્માણ કરી રહ્યા છે. પુરુષો લોકગીતો ગાઈ પ્રસાદ બનાવે છે, જ્યારે મહિલાઓ આદિવાસી લોકબોલીના ગીતો પર ગરબે ઘૂમીને મા અંબાની ભક્તિમાં લીન થાય છે. તેમની મહેનત, શ્રદ્ધા અને લોકસંગીતના સૂરો પ્રસાદને એક અનોખી મીઠાશ અને ભક્તિનો સુગંધિત સ્પર્શ આપે છે.
2.50 લાખ કિલો પ્રસાદ બનાવશે
આ વર્ષે અંદાજે 2.50 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે. આ માટે 90,000 કિલો કરકરો બેસન, 1,35,000 કિલો ખાંડ, 67,000 કિલો શુદ્ધ ઘી અને 180 કિલો ઇલાયચીનો ઉપયોગ થશે. આ પ્રસાદને 30 લાખથી વધુ પેકેટ્સમાં વિતરણ કરવાનું આયોજન છે. આ ભગીરથ કાર્ય માટે 700થી વધુ કારીગરો રાત-દિવસ કાર્યરત રહેશે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે દરેક ભક્ત સુધી સરળતાથી અને સ્વચ્છતાથી પ્રસાદ પહોંચાડવામાં આવશે. મેળા દરમિયાન ભક્તોની સુવિધા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
માઇભક્તો માટે સુવિધા
મંદિર ટ્રસ્ટ દ્વારા માઇભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય પ્રસાદ વિતરણ વ્યવસ્થા સાથે દર્શન, રહેવા અને અન્ય સુવિધાઓ પણ સુચારુ રીતે ચાલે તે માટે તંત્ર અને ટ્રસ્ટ સંયુક્તપણે કામ કરી રહ્યા છે. આ વર્ષે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મેળામાં આવશે તેવો અંદાજ છે.