Vadodara Drunk Driving Case: વડોદરાના પોશ ગણાતા જૂના પાદરા રોડ વિસ્તારમાં ગત મોડી રાત્રે 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'ની ઘટના સામે આવી હતી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી જેકોબ માર્ટિને દારૂના નશામાં ચૂર થઈ પોતાની કાર પાર્ક કરેલા ત્રણ વાહનો સાથે ધડાકાભેર અથડાવી હતી. અકોટા પોલીસે આ મામલે ગુનો નોંધી પૂર્વ ક્રિકેટરની અટકાયત કરી છે.
કેવી રીતે અકસ્માત સર્જાયો?
મળતી માહિતી અનુસાર, 26મી જાન્યુઆરીની મોડી રાત્રે ઓપી રોડ પર મલ્હાર પોઈન્ટ નજીક આવેલી પુનિત નગર સોસાયટી પાસે આ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક કારે સોસાયટી પાસે પાર્ક કરેલી અન્ય ત્રણ કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના રહીશો તાત્કાલિક ઘરોની બહાર દોડી આવ્યા હતા.
આ પણ વાંચો: પંચમહાલ: શહેરામાં હાલોલ-શામળાજી હાઈવે પરથી 200થી વધુ દબાણો દૂર કરાયા
નશામાં ચકચૂર હાલતમાં પકડાયા પૂર્વ ક્રિકેટર
આ બનાવની જાણ થતા જ અકોટા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે, અકસ્માત સર્જનાર વ્યક્તિ ભારતીય ટીમના પૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર જેકોબ જોશેફ માર્ટિન છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જેકોબ માર્ટિન દારૂના નશામાં હોવાનું સ્પષ્ટ જણાતા ડ્રિંક એન્ડ ડ્રાઈવ બદલ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


