Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા શહેરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી સ્ટેટ હાઈવે પર આજે (27મી જાન્યુઆરી) તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. હાઈવેની બંને તરફ ખડકાયેલા કાચા-પાકા દબાણોને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે જી.એસ.આર.ડી.સી. (GSRDC) અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી રસ્તાઓને ખુલ્લા કરવામાં આવ્યા હતા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન
મળતી માહિતી અનુસાર, મંગળવારે વહેલી સવારથી જ શહેરાના બસ સ્ટેશન વિસ્તારથી લઈને અણીયાદ ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર જેસીબી મશીનોની મદદથી ડિમોલિશન શરૂ કરાયું હતું. હાઈવે પર નડતરરૂપ પતરાના શેડ, દુકાનોના ઓટલા અને અન્ય ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો.
સંયુક્ત ટીમ દ્વારા ઓપરેશન
આ ડિમોલિશન કામગીરીમાં તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા, જેમાં જી.એસ.આર.ડી.સી.ના નાયબ કાર્યપાલક ઈજનેર, શહેરા પ્રાંત અધિકારી,નગરપાલિકા ચીફ ઓફિસર અને ટોલ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
200થી વધુ દબાણકારોને અપાઈ હતી નોટિસ
તંત્ર દ્વારા આ કાર્યવાહી કરતા પહેલા જોગવાઈ મુજબ હાઈવેની મધ્યમાંથી રેખા નિયંત્રણ (Road Margin)ના નિશાન કરી માપણી કરવામાં આવી હતી. આ અગાઉ GSRDC દ્વારા 200થી વધુ દબાણકારોને સ્વેચ્છાએ દબાણો દૂર કરવા માટે કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. મુદત પૂર્ણ થતા જ આજે તંત્રએ લાલ આંખ કરી દબાણો હટાવવાનું શરૂ કર્યું હતું.
ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ
હાલોલ-શામળાજી હાઈવે પર સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. શહેરાના મુખ્ય બજાર અને બસ સ્ટેશન વિસ્તારમાં દબાણોને કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી અને અકસ્માતનો ભય રહેતો હતો. આ દબાણો દૂર થવાથી હવે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને મોટી રાહત મળશે.


