Gujarat

વોટ્સ-એપમાં નગ્ન વીડિયો ઉતારી IIM સ્ટુડન્ટ પાસેથી 3 લાખ પડાવ્યા

By GS Team
11 Feb 20222 mins read
This article was originally published on 11 Feb 2022
વોટ્સ-એપમાં નગ્ન વીડિયો ઉતારી IIM સ્ટુડન્ટ પાસેથી 3 લાખ પડાવ્યા

મુસ્કાન સોની નામે લોભામણી આઈ.ડી. બનાવી છેતરપિંડી

સંબંધી, મિત્રોમાં વિડિયો વાયરલ કરવાનું કહી બ્લેકમેઇલિંગ: બીજી ઘટનામાં ફેસબૂક હેક કરી મહિલા પ્રોફેસરની ચેટ પર નજર

અમદાવાદ : સોશિયલ મિડિયાના દુરૂપયોગની વધુ બે ફરિયાદ નોંધાવાઈ છે. આઈઆઈએમના સ્ટુડન્ટ સાથે ફેસબૂક મેસેન્જરથી ફ્રન્ડશિપ કર્યા પછી નગ્ન વિડિયો ઉતારીને 3 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. બીજી ઘટનામાં મહિલા પ્રોફેસરનો પાસવર્ડ મેળવી ફેસબૂક હેક કરી તેમની ચેટ ઉપર નજર રાખવામાં આવતી હોવાની ફરિયાદ અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

મુળ આંધ્રપ્રદેશમાં રહેતા અને આઈઆઈએમમાં અભ્યાસ કરતા યુવકને વોટ્સ-એપ વિડિયો કોલથી ફસાવીને ત્રણ લાખ પડાવવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં 24 વર્ષના સ્ટુડન્ટે ફરિયાદ નોંધાવી છે કે, મુસ્કાન સોની નામ ધરાવતા આઈડી ધારકે ફેસબૂક મેસન્જરથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. આ પછી વોટ્સ-એપ કોલ કરી ન્યૂડ વીડિયો બતાવ્યો હતો.

અશ્લિલ ઈશારા કરી વિડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. બાદમાં આ રેકોર્ડિંગ ફેસબૂક અને સોશિયલ મીડિયાના માધ્યમથી સંબંધીઓ અને મિત્રોમાં વાયરલ કરવાનું કહી ધમકી આપીને પૈસાની માગણી કરવામાં આવી હતી. આઈઆઈએમ સ્ટુડન્ટ પાસેથી આ પ્રકારે 3 લાખ રૂપિયા ઓનલાઈન પડાવવામાં આવ્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવાઈ છે.

થલતેજમાં રહેતા અને ખાનગી કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત 27 વર્ષની યુવતીએ તેનું ફેસબૂક મેસેન્જર હેક કરાયાની ફરિયાદ નોંધાવાઈ છે. ગત તા. 7ના રોજ મહિલા પ્રોફેસરને વોટ્સ-એપ પર તેમના જ ફેસબૂક મેસેન્જરનો સ્ક્રીનશોટ આવ્યો હતો. બીજા દિવસે પણ સ્ક્રીન શોટ મોકલીને હાય મેસેજ કરવામાં આવ્યો હતો.

એક વર્ષ પહેલાં પણ આ પ્રકારે મેસેજ આવ્યા હતા ત્યારે મહિલા પ્રોફેસરે પોતાના ફેસબૂકનો પાસવર્ડ બદલી નાંખ્યો હતો. બીાજી વખત આ પ્રકારે ફેસબૂક એકાઉન્ટને એક્સેસ મેળવી લઈ પર્સનલ ચેટ પર નજર રાખવામાં આવતી હોવા અંગે સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાવાઆઈ છે.