પ્રીમિયમના નામે સરકારનો ડબલ ડોઝ રેતી, કપચી, માટી સહિતના ખનિજોની રોયલ્ટી રાતોરાત ડબલ કરી દીધી

વડોદરા, તા.1 રેતી, કપચી અને સાદી માટી સહિતના ખનિજ પર લેવાતી રોયલ્ટી ઉપરાંત તેટલાં જ પ્રીમિયમની વસૂલાત એટલે કે ડબલ રોયલ્ટી જેટલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાનો નિર્ણય સરકારે રાતોરાત લીધો છે. અચાનક બમણા ભાવવધારાના પગલે ખનિજોનું ઉત્પાદન અને વેપાર કરતા લોકોમાં આંતરિક વિરોધ શરૃ થઇ ગયો છે.
રેતી, કપચી અને સાદી માટી તેમજ અન્ય ખનિજો પર સરકાર દ્વારા દર વર્ષે ૩૦ ટકા વધારો કરવામાં આવતો હતો. છેલ્લે વર્ષ-૨૦૧૫માં રોયલ્ટીની રકમમાં વધારો થયો હતો અને ત્યારબાદ કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. વર્ષ-૨૦૧૭ના જાહેરનામાં મુજબ નવી લીઝો ૧૦૦ ટકા પ્રીમીયમ ભર્યા બાદ એલોટ થતી હતી જેથી રોયલ્ટીની રકમમાં વધારો કરી શકાતો ન હતો.
છેલ્લા ૧૦ વર્ષથી રોયલ્ટીની રકમમાં કોઇ વધારો નહી થયા બાદ ગઇકાલે રાતોરાત સરકારે વિવિધ ખનિજોની રોયલ્ટીમાં વધારો કરતું નોટિફિકેશન બહાર પાડયું હતું. આ નોટિફિકેશનમાં સરકારે રોયલ્ટીના બદલે રોયલ્ટીની ઉપર તેટલી જ રકમનું પ્રીમિયમ વસૂલ કરવાનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે ખનિજ માટે હવે લગભગ બમણી રોયલ્ટી ભરવી પડશે.
ગઇકાલે સાંજે રોયલ્ટી ભરવા માટેની ઓનલાઇન સિસ્ટમ ચાર કલાક સુધી બંધ રહી હતી અને સિસ્ટમ શરૃ થઇ ત્યારે નવી રોયલ્ટીના ભાવો ઉત્પાદકતાઓને બતાવતા હતાં. તાત્કાલિક અસરથી વિવિધ ખનિજો પર વસૂલાતી રોયલ્ટી તેમજ પ્રીમિયમના ભાવમાં વધારો કરી દેતા ઉત્પાદકતાઓને પણ આંચકો લાગ્યો છે. વિવિધ ખનિજો સાથે સંકળાયેલા એસોસિએશનો પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કરવો કે નહી તે અંગે અસમંજસમાં છે.
કન્સ્ટ્રક્શનના ભાવ વધતા મકાનો મોંઘા થવાની ભીતિ
બમણી રોયલ્ટીની અનેક ક્ષેત્રો પર થનારી અસર
રાજ્યમાં ઉત્પાદન થતાં મહત્વના ખનિજો જેમ કે રેતી, કપચી અને માટીની રોયલ્ટીના દરોમાં અચાનક વધારો કરાતા તેની અસર આગામી દિવસોમાં લોકો પર થશે તે નિશ્ચિત છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે રેતી અને કપચી તેમજ માટીની રોયલ્ટીમાં બમણા ભાવવધારાના કારણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન તેમજ રોડના કામો પર તેની અસર જણાશે. બિલ્ડિંગના નિર્માણ માટે રેતી અને કપચીના ઉપયોગના મહત્તમ ઉપયોગના પગલે કન્સ્ટ્રક્શનના ભાવમાં વધારો થશે તે નક્કી છે.
બ્લેક ટ્રેપની ૪૦ ટન એક ગાડીમાં ક્વોરી માલિકો જે ભાવો વસૂલ કરતા હતા તે ગાડીમાં હવે સામાન્ય સંજોગોમાં રૃા.૪ હજારનો સીધો વધારો થઇ જશે. એક ટનમાં કપચીની રોયલ્ટી ઉપરાંત વિવિધ ટેક્સના કારણે ૮૫થી ૧૦૦ રૃપિયાનો વધારો થવાનો અંદાજ વ્યક્ત કરાઇ રહ્યો છે. કોન્ટ્રાક્ટરો દ્વારા જે ભાવો પર કામ કરાતું હતું તેમના બજેટ પર હવે સીધી અસર થશે.
મહત્વના ખનીજો પર ૧૦૦ ટકા પ્રીમિયમ બાદના દર
ખનિજ જૂના નવા
કપચી ૪૫ ૯૦
રેતી ૪૦ ૮૦
માટી ૨૫ ૫૦
જિપ્સમ ૪૫ ૯૦
- ઉપરોક્ત દરો મેટ્રિક ટનના છે.
- ઉત્પાદકોએ રોયલ્ટીના દરો ઉપરાંત ૧૮ ટકા જીએસટી, ૧૦ ટકા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ અને મટિરિયલના વેચાણ પર વધારાનો ૫ ટકા જીએસટી ભરવો પડે છે.
ખનિજની હેરાફેરીમાં રોયલ્ટીની ચોરી વધવાની શક્યતા
રાજ્ય સરકાર દ્વારા ખનિજોની રોયલ્ટીના દરો ડબલ કરી દેતા હવે ખનિજચોરી થવાની શક્યતા વધી ગઇ છે. આમ પણ રેતી, માટી તેમજ બ્લેક ટ્રેપની કેટલીક ક્વોરીઓ દ્વારા વધતી ઓછી રોયલ્ટીની ચોરીઓ થતી હોય છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા રોડ પર રોયલ્ટી વગરના વાહનો ઝડપી પાડી રોયલ્ટી ઉપરાંત દંડની વસૂલાત કરાતી હોય છે. હવે રોયલ્ટીના દરો બમણાં કરી દેવાતા ચોરી વધશે તેવો ગણગણાટ શરૃ થઇ ગયો છે.









