પાઠય પુસ્તકો માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને દબાણ નહીં કરવા અપીલ
વડોદરાઃ વડોદરા શહેરમાં પાઠય પુસ્તકોની અછતના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે ત્યારે આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો.ઘણા વિદ્યાર્થીઓને આજે પાઠય પુસ્તકો વગર જ સ્કૂલે જવાનો વારો આવ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પાઠય પુસ્તકો દુકાનો પરથી ખરીદવા પડતા હોય છે અને દુકાનદારોને તેનો પૂરતો સ્ટોક મળ્યો જ નથી.એક અંદાજ પ્રમાણે વડોદરાની માગ સામે ૪૦ ટકા જ પુસ્તકો હજી સુધી માર્કેટમાં આવ્યા છે અને તેના કારણે શૈક્ષણિક વર્ષ શરુ થયા બાદ પણ પાઠય પુસ્તકોની મારામારી ચાલુ રહી છે.આજે પણ વાલીઓએ દુકાનો પર પાઠય પુસ્તકો માટે પૂછપરછ ચાલુ રાખી હતી.સાંજ થતા જ ફરી એક વખત વાલીઓનો દુકાનો પર ધસારો જોવા મળ્યો હતો.
પાઠય પુસ્તકો વેચતા વેપારીઓના સંગઠન વડોદરા બૂક ફેડરેશન દ્વારા આ પ્રકારની સ્થિતિ વચ્ચે વડોદરાની સ્કૂલોના આચાર્યોને સંદેશો મોકલીને વિદ્યાર્થીઓ અને વાલીઓને પાઠય પુસ્તકો માટે દબાણ નહીં કરવા માટે અપીલ કરવામાં આવી છે.સંદેશામાં કહેવામાં આવ્યું છે કે, પાઠય પુસ્તકો અંગે સ્કૂલોને અમારા તરફથી અપડેટ આપવામાં આવશે.ફેડરેશનના પ્રમુખ ટીનાભાઈ ઠક્કરે કહ્યું હતું કે, આવતીકાલે કેટલોક જથ્થો દુકાનોમાં પહોંચશે. પરંતુ અમારી માગણી સામે કેટલા પાઠય પુસ્તકો મળશે તેની અમને ખબર નથી.
દુકાનદારો માટે પાઠય પુસ્તકો મંગાવનાર વડોદરાની મંડળી વડોદરા ટ્રેડર્સ કન્ઝ્યુમર્સ સોસાયટીના સૂત્રોએ કહ્યું હતું કે, આ વખતે પાઠય પુસ્તકોનું પ્રિન્ટિંગ અને વિતરણ મોડું શરુ કરવામાં આવ્યું છે અને તેના કારણે બજારમાં જૂન મહિનાના અંત સુધીમાં પાઠય પુસ્તકોની અછત રહે તેવી શક્યતા છે.
વિદ્યાર્થીઓ પરસેવે રેબઝેબ, આકરી ગરમી વચ્ચે શૈક્ષણિક વર્ષનો પ્રારંભ
વડોદરા શહેર અને જિલ્લાની સ્કૂલોમાં સાત લાખ કરતા વધારે વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો આજથી પ્રારંભ થતા જ સ્કૂલો વિદ્યાર્થીઓની ચહલ પહલથી ગાજી ઉઠી હતી.સ્કૂલવર્ધીના વાહનો આજથી શહેરના રસ્તાઓ પર દોડતા જોવા મળ્યા હતા.જોકે શૈક્ષણિક વર્ષનો પ્રારંભ આકરી ગરમી વચ્ચે થયો છે. વિદ્યાર્થીઓ પરસેવે રેબેઝેબ હાલતમાં સ્કૂલે પહોંચ્યા હતા અને પાછા ઘરે ફર્યા હતા.આકરી ગરમી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચિંતાનો વિષય છે.જ્યાં સુધી વરસાદનું આગમન નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને આકરી ગરમી વચ્ચે અભ્યાસ કરવો પડશે.