Get The App

દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયો!

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયો! 1 - image

AI Image



Ahmedabad Pollution: દિવાળીના તહેવારની ઉજવણી બાદ અમદાવાદ શહેર જાણે પ્રદૂષણની ગાઢ ચાદરમાં લપેટાઈ ગયું. સોમવારે રાત્રે સરકારી નિયમોને નેવે મૂકીને મોડી રાત સુધી ફોડવામાં આવેલા ફટાકડાના કારણે શહેરની હવા ઝેરી બની ગઈ હતી. 20 ઑક્ટોબરની રાત્રે શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300ને પાર કરી 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં પહોંચી ગયો હતો, જ્યારે થલતેજ જેવા વિસ્તારમાં તો AQI 1000થી વધુના અત્યંત જોખમી સ્તરે પહોંચતા ચિંતાનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતના ધારાસભ્યોને બખ્ખાં, ગાંધીનગરમાં 220 કરોડના ફાઈવ સ્ટાર સુવિધાવાળા ફ્લેટ મળશે


દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયો! 2 - image

નિયમોના ધજાગરા, હવા ઝેરી બની 

રાજ્ય સરકારે રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની માર્ગદર્શિકા બહાર પાડી હતી, પરંતુ શહેરના મોટાભાગના વિસ્તારોમાં મોડી રાત સુધી આતશબાજી ચાલુ રહી હતી. પરિણામે, હવામાં PM2.5 અને PM10 જેવા ઝેરી રજકણોનું પ્રમાણ ભયજનક સ્તરે વધી ગયું હતું. aqi.in વેબસાઇટ મુજબ ચાંદખેડા, બોપલ, શીલજ, નારોલ અને સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં AQI 350થી 500ની વચ્ચે 'ગંભીર' શ્રેણીમાં નોંધાયો હતો. દિવાળીની સવાર ધુમ્મસભરી રહી અને હવામાં ગનપાઉડરની તીવ્ર ગંધ અનુભવાઈ, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જ્યારે એક સમયે નારોલ જેવા વિસ્તારમાં AQI 850થી ઉપર નોંધાયો હતો. 

દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયો! 3 - image

નિષ્ણાતોની ચેતવણી અને સ્વાસ્થ્ય પર જોખમ 

આ અંગે નિષ્ણાતોએ જણાવ્યું કે, "આટલું ઊંચું AQI લેવલ, ખાસ કરીને PM2.5નું વધેલું પ્રમાણ, ફેફસાં માટે અત્યંત હાનિકારક છે. તેનાથી અસ્થમાના દર્દીઓને ગંભીર હુમલા આવી શકે છે અને સામાન્ય વ્યક્તિને પણ શ્વાસનળીમાં બળતરા અને લાંબા ગાળે ફેફસાનું કેન્સર થવાનું જોખમ રહે છે." તેમણે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વસનતંત્રની બીમારી ધરાવતા લોકોને આગામી બે-ત્રણ દિવસ ઘરની બહાર નીકળવાનું ટાળવા અને માસ્ક પહેરવાની સલાહ આપી છે.

આ પણ વાંચોઃ સલામત ગણાતા બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટ્સને ભેદીને સાયબર ફ્રોડ, કચ્છમાં અડધા ડઝનથી વધુ કેસ

દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયો! 4 - image

તંત્રની કામગીરી અને સરખામણી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રદૂષણ ઘટાડવા માટે મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ અને એન્ટી-સ્મોગ ગનનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળી પર પ્રદૂષણનું સ્તર લગભગ 20% વધુ નોંધાયું છે. સામાન્ય દિવસોમાં અમદાવાદનો AQI 100ની નીચે રહે છે, જેની સરખામણીમાં આ વધારો અત્યંત ચિંતાજનક છે.

શું છે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)? 

AQI હવાની ગુણવત્તા માપવાનો એક માપદંડ છે. તેની રેન્જ 0થી 500 વચ્ચે હોય છે. 0-100 સારો, 101-200 સાધારણ, 201-300 ખરાબ, 301-400 ખૂબ જ ખરાબ અને 401-500 અત્યંત ગંભીર માનવામાં આવે છે. આ ઇન્ડેક્સ નાગરિકોને હવાની ગુણવત્તા વિશે સાવચેત કરવામાં મદદ કરે છે.

Tags :