mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વડાપ્રધાન અંગે અશોભનીય ટિપ્પણી મામલે પૂર્વ સાંસદ વિરજી ઠુંમર સામે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસે પણ લડી લેવાના મૂડમાં

Updated: Dec 24th, 2023

વડાપ્રધાન અંગે અશોભનીય ટિપ્પણી મામલે પૂર્વ સાંસદ વિરજી ઠુંમર સામે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસે પણ લડી લેવાના મૂડમાં 1 - image

અમરેલી જિલ્લા કોગ્રેસના નવ નિયુક્ત પ્રમુખનો પદ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જે દરમિયાન અમરેલી કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુંમરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે જાહેરમાં અશોભનીય ટિપ્પણી કરી હતી. જ્યારબાદ ભાજપ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. આ વચ્ચે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ નેતા વિરજી ઠુંમર વિરૂદ્ધ વડાપ્રધાન મોદી અંગે જાહેરમાં અવિવેકી ટિપ્પણી કરવા મામલે ફરિયાદ નોંધાઈ છે.

વિરજી ઠુંમર સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના મહામંત્રી મેહુલ ધોરાજીયા દ્વારા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા વિરજી ઠુંમર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. વિરજી ઠુંમરે પોતાના નિવેદનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે જાહેરમાં અભદ્ર ટિપ્પણી કરી બદનક્ષી કરી જાહેરમાં સુલેહ શાંતિ ભંગ થાય તેવું કૃત્ય કર્યાનો ગુનો નોંધાયો છે.

વિરજી ઠુંમરે કર્યો પલટવાર

પોતાની સામે ફરિયાદ નોંધાતા વિરજી ઠુંમરે પલટવાર કર્યો છે. વિરજી ઠુંમરે પોતાની પણ છબી ખરડાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ લગાવ્યો છે. પોતાના પુતળાનું દહન કરીને ખોટા આરોપ લગાવાયા હોવાનો વિરજી ઠુંમરે દાવો કર્યો હતો. મહત્વનું છે કે, કોંગ્રેસના એક કાર્યક્રમમાં પુર્વ સાંસદ વિરજી ઠુંમરે વડાપ્રધાન પદની ગરીમાને ન શોભે તેવા નિવેદનો કરતા તેના વિરોધમાં આજે ભાજપ દ્વારા ઠેરઠેર પુતળા દહન અને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજાયા હતા. 

કોંગ્રેસ લડી લેવાના મૂડમાં!

તો પોલીસે વિરજી ઠુંમર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરતા કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ છે. ગુજરાત કોંગ્રેસે કહ્યું કે, પૂર્વ સાંસદ વિરજી ઠુંમરની અટકાયત કરવા અમરેલી પોલીસને કોર્ટની મંજૂરી લેવી પડશે. 

ભાજપે ઠેર-ઠેર કર્યું વિરોધ પ્રદર્શન

અમરેલીમાં કોંગ્રેસ નેતા વિરજી ઠુંમર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જે મામલે સાવરકુંડલાના રિદ્ધિ-સિદ્ધિ ચોકમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાની આગેવાનીમાં વિરજી ઠુંમરના પૂતળા દહન કરવામાં આવ્યું હતું. પૂતળાના દહનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. ધારાસભ્ય અને ભાજપના કાર્યકરો સાવરકુંડલાના રિદ્ધિ-સિદ્ધિ ચોક ખાતે રેલી કાઢીને વિરજીભાઈ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા. સાવરકુંડલામા ધારાસભ્ય મહેશભાઇ કસવાલાની આગેવાનીમા ભાજપ કાર્યકરોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપીને વિરજી ઠુંમર સામે પગલા લેવા માંગ કરાઈ હતી. આ દરમિયાન પોલીસે 10 કાર્યકરોની અટકાયત કરી હતી. રાજુલા, કુંડલા સહિત અનેક જગ્યાએ ભાજપના કાર્યકરોએ ઠુંમરના પુતળાનુ દહન કર્યુ હતું.

મહત્વનું છે કે, અમરેલી જિલ્લા કોગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ પ્રતાપ દુધાતનો પદ ગ્રહણ કાર્યક્રમ અમરેલી જિલ્લા કોગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો હતો. અમરેલી જિલ્લા કોગ્રેસના પ્રમુખ તરીકે પ્રતાપ દુઘાતની વરણી કરતા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન વિરજી ઠુંમરે વાણી વિલાસ કર્યો હતો. અમરેલી જિલ્લા કોગ્રેસની આગેવાનીમાં ઇન્ડિયા ગઠબંઘનના 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદા પર રાષ્ટ્રપતિને સંબોધી અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


Gujarat