સૌરાષ્ટ્રના સિનિયર નેતાઓમાં ઘેરો અસંતોષ પણ સહુના મોઢા સીવાયેલા, 3 જિલ્લામાં ધૂંધવાટ

Gujarat Politics: ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં 26 પૈકી 8 મંત્રીઓ સૌરાષ્ટ્રના હોવાથી સૌરાષ્ટ્રનું વજન વધ્યું હોવાની દેખીતી છાપ તો ઉપસે છે. પરંતુ, ભાજપના સિનિયરોને અન્યાય અને કેટલાક જિલ્લાઓની બાદબાકી સહિતના કારણોસર રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં ભાજપમાં અંદરખાને અસંતોષ પ્રવર્તે છે. પરંતુ, ટોચના નેતાઓના નિર્ણય સામે બોલવાની ગુસ્તાખી કરવાનું ટાળીને સિનિયરોએ મોં સીવી લીધા છે.
આ પણ વાંચોઃ ડિજિટલ એરેસ્ટના કેસ વધતાં સુપ્રીમ કોર્ટ ચિંતિત, કેન્દ્ર અને સીબીઆઈ પાસે માગ્યો જવાબ
રાજકોટનો દબદબો ઘટ્યો?
રાજકોટમાંથી ભાનુબહેન બાબરિયાને બેસાડી દેવાતાં વિજય રૂપાણીના સમયમાં જેનો દબદબો હતો એ શહેરનું મહત્ત્વ તેમના પછી તબક્કાવાર ઘટતું ચાલ્યાની નારાજગી ઉપરાંત અનુ. જાતિમાં પણ કચવાટ છે. જ્યારે આ જિલ્લાના સિનિયર લેઉવા પટેલ- ભૂતપૂર્વ મંત્રી જયેશ રાદડિયાની પણ ખાસ્સી ચર્ચા છતાં પુનઃ સ્થાન નથી અપાયું. સહકારી ક્ષેત્રે વિરોધમાં પડવાનું તેમને ભારે પડ્યાનું મનાય છે. જો કે, નારાજગી દર્શાવવાને બદલે તેમણે નવા મંત્રીઓને શુભેચ્છા આપીને 'પાર્ટી અમારા જેવા કાર્યકરને જ્યારે જે જવાબદારી આપે તે નિભાવતા રહીએ છીએ' એવી પ્રતિક્રિયા આપી હતી.
વિવાદિત નેતાઓને મળ્યું મંત્રીપદ
લેઉવા સમાજની સંભવિત નારાજગી ખાળવા જે જુનિયરને સ્થાન અપાયું છે એ અમરેલીના કૌશિક વેકરિયા તાજેતરમાં તત્કાલીન પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સાથેની ઑડિયો ક્લિપને લઈને અને અગાઉ પાયલ પ્રકરણ વખતે ચર્ચામાં હતા. કડવા પાટીદારોમાંથી સિનિયર રાઘવજી પટેલને બેસાડી દઈને ભાજપે જેને પ્રથમ વાર મંત્રી બનાવ્યા તે મોરબીના કાંતિ અમૃતિયા તાજેતરમાં ગોપાલ ઇટાલિયા સાથેની ટસલને લઈને રાજીનામાનું નાટક કરવા સચિવાલય તરફ ધસી ગયા હતા, પણ હવે મંત્રીપદ સાથે સચિવાલયમાં જશે.
આ પણ વાંચોઃ ઈ-સ્પોર્ટ્સ, સોશિયલ ગેમ્સના ઓઠા હેઠળ ઓનલાઈન ગેમિંગ મુદ્દે સુપ્રીમની નોટિસ
ક્ષત્રિયોને ખુશ કરવાનો પ્રયાસ
સૌરાષ્ટ્રના બે નાના જિલ્લા પૈકી પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રીમંડળમાં છે જ ત્યાં હવે મૂળ કોંગ્રેસી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને રાજ્ય મંત્રીમંડળમાં કેબિનેટમાં સ્થાન અપાયું છે. વળી, બીજી તરફ દેવભૂમિ દ્વારકામાંથી જે એકમાત્ર-સિનિયર મંત્રી હતા તે મૂળુ બેરાને રુખસદ આપી દેવામાં આવી હોવાથી નારાજગી પ્રવર્તે છે. જૂનાગઢ જિલ્લાને તો વર્ષોથી મંત્રીપદ મળ્યું જ નથી અને આ વખતે સંજય કોરડિયાનું નામ ચર્ચામાં હતું છતાં પસંદગી ન થઈ. તેમણે પણ ‘પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય' કહીને વાત ટૂંકાવી હતી. આ દરમિયાન, દ્વારકાને લાગુ જામનગર જિલ્લામાંથી સિનિયર રાઘવજી પટેલને પડતાં મૂકીને નવા ચહેરા રિવાબા જાડેજાને રાજ્યકક્ષાના મંત્રી બનાવી ક્ષત્રિયોને ખુશ રાખવા પ્રયાસ કરાયો છે.