ઈ-સ્પોર્ટ્સ, સોશિયલ ગેમ્સના ઓઠા હેઠળ ઓનલાઈન ગેમિંગ મુદ્દે સુપ્રીમની નોટિસ

જુગાર-સટ્ટાબાજી એપ મુદ્દે કેન્દ્ર સરકાર જવાબ આપશે
નવી દિલ્હી: ઈ-સ્પોર્ટ્સ, સોશિયલ ગેમ્સના ઓઠા હેઠળ ચાલતા ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવા કેન્દ્ર સરકારને નિર્દેશો આપવા માગ કરતી અરજી પર શુક્રવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ બાબતને મહત્વનો મુદ્દો ગણાવ્યો હતો. આ સાથે સુપ્રીમે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી અને અરજદારને અરજીની નકલ કેન્દ્ર સરકારને આપવાનું જણાવી આ કેસની સુનાવણી મુલતવી રાખી હતી.
ન્યાયાધીશો જેબી પારડીવાલા અને કેવી વિશ્વનાથની બેન્ચે શુક્રવારે અરજદારના વકીલ વિરાગ ગુપ્તાને કહ્યું કે, આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. અરજીની એક નકલ કેન્દ્ર સરકારના વકીલને આપો. તેઓ તેને જોઈ લેશે. આગામી સુનાવણીમાં તેઓ અમને મદદ કરશે. સુપ્રીમ કોર્ટે સેન્ટર ફોર એકાઉન્ટેબિલિટી એન્ડ સિસ્ટેમેટિક ચેન્જ (સીએએસસી) તથા શૌર્ય તિવારી દ્વારા દાખલ જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. અરજદારોએ દેશમાં તિવ્ર ઝડપે ફેલાઈ રહેલી જુગાર અને સટ્ટાબાજીની એપ્લિકેશન્સના પ્રસારને રોકવા સરકારને નિર્દેશો આપવા માટે સુપ્રીમમાં અરજી કરી હતી. તેમણે દાવો કર્યો કે, આ પ્રકારની એપ્લિકેશન્સ દેશને સામાજિક અને આર્થિક રીતે નુકસાન કરે છે.
સુનાવણી સમયે વિરાગ ગુપ્તાએ બેન્ચ સમક્ષ દાવો કર્યો કે, વર્તમાન ઓનલાઈન ગેમિંગના પ્રમોશન અને નિયમન કાયદા, ૨૦૨૫માં છટકબારીના કારણે દેશમાં ૧૫ કરોડથી વધુ બાળકો પર જોખમ છે. દેશમાં અંદાજે ૬૫ કરોડ લોકો ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર એક્ટિવ છે. મોટાભાગના લોકો રિયલ મની ગેમ્સમાં દાવ લગાવે છે. તેનો વાર્ષિક કારોબાર ૧.૮ લાખ કરોડથી વધુ છે.
અરજદારોએ કાયદા પંચના ૨૭૬મા રિપોર્ટને ટાંકીને કહ્યું કે, મહાભારતના સમયે જુગાર નિયંત્રિત હોત તો યુધિષ્ઠિર પત્ની અને ભાઈઓને દાવ પર લગાવી શક્યા ના હોત. અરજીમાં કહેવાયું છે કે આ કથન પૌરાણિક નહીં, સાંસ્કૃતિક ચેતવણી છે કે અનિયંત્રિત જુગાર સમાજનો પાયો હચમચાવી શકે છે. અરજીમાં જણાવાયું છે કે સાતમી અનુસૂચીમાં જુગાર રાજ્યનો વિષય છે જ્યારે કેન્દ્રનો નવો કાયદો રાજ્યોના અધિકાર ક્ષેત્રમાં દખલ કરે છે. આ કાયદો સટ્ટાબાજીને નિયમન કરવાના બદલે કાયદેસર બનાવવાનો માર્ગ ખોલે છે. વધુમાં ડીજીજીઆઈએ ઓનલાઈન ગેમિંગ કંપનીઓ સાથે સંકળાયેલી રૂ. ૮૧,૮૭૫ કરોડની કરચોરી પકડી છે. ૬૪૨ ઓફશોર કંપનીઓ દેશમાં ટેક્સ ચૂકવ્યા વિના જુગાર રમાડી રહી છે. મોટાભાગની એપ્સ વિદેશી સર્વરો પર સંચાલિત છે, જેથી રાષ્ટ્રીય સુરક્ષાનું જોખમ છે. ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટર આવી એપ્સનો પ્રચાર કરી રહ્યા છે, જે બાળકોને ખોટી દિશામાં લઈ જાય છે. ડબલ્યુએચઓના રિપોર્ટને ટાંકીને જણાવાયું કે, ઓનલાઈન ગેમિંગ ડિસઓર્ડર હવે માનસિક બીમારી ગણાય છે.