Get The App

ડિજિટલ ગુજરાતનું એક એવું ગામ, જે આજે પણ છે મોબાઇલ નેટવર્ક વિહોણું, પૂર્વ MLAએ દિલ્હી પત્ર લખ્યો

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
ડિજિટલ ગુજરાતનું એક એવું ગામ, જે આજે પણ છે મોબાઇલ નેટવર્ક વિહોણું, પૂર્વ MLAએ દિલ્હી પત્ર લખ્યો 1 - image


No Mobile Network in  Nal Village : એકવીસમી સદીમાં જ્યાં આખી દુનિયા ડિજિટલ ક્રાંતિનો અનુભવ કરી રહી છે, ત્યાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું નાળ ગામ આજે પણ મોબાઇલ નેટવર્ક વિહોણું છે. આ ગામ, જે તાલુકાના છેવાડે આવેલું છે, ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી એક પણ ટેલિકોમ કંપનીએ પોતાનો ટાવર ઊભો કર્યો નથી. આ સ્થિતિ ગામ લોકોને આધુનિક ટૅક્નોલૉજીના લાભોથી વંચિત રાખી રહી છે અને તેમના રોજિંદા જીવન પર ગંભીર અસર કરી રહી છે.

આધુનિક યુગમાં પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ

આજના સમયમાં જ્યાં ઓનલાઇન શિક્ષણ, સંદેશાવ્યવહાર અને સરકારી સેવાઓ માટે મોબાઇલ નેટવર્ક અનિવાર્ય બન્યું છે, ત્યાં નાળ ગામના લોકો આ મૂળભૂત સુવિધાથી વંચિત છે. વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ માટે કે સરકારી ભરતી સંબંધિત માહિતી મેળવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નેટવર્ક ન હોવાને કારણે તેમને ઓનલાઇન અરજીઓ ભરવા કે અન્ય કોઈ કામ માટે છેક તાલુકા મથક સુધી જવાની ફરજ પડે છે, જેના કારણે સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે.


આ પણ વાંચો: બોટાદના ચાર મિત્રોને દ્વારકા નેશનલ હાઈવે પર નડ્યો ગમખ્વાર અકસ્માત: એકનું મોત, ત્રણ ગંભીર

ગ્રામજનો પણ સરકારી યોજનાઓ કે અન્ય કોઈ મહત્ત્વપૂર્ણ માહિતીથી વંચિત રહે છે. ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં જ્યાં દરેક માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, ત્યાં નાળ ગામના લોકો માહિતીની અછતનો ભોગ બની રહ્યા છે.
ડિજિટલ ગુજરાતનું એક એવું ગામ, જે આજે પણ છે મોબાઇલ નેટવર્ક વિહોણું, પૂર્વ MLAએ દિલ્હી પત્ર લખ્યો 2 - image

પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની રજૂઆત

આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને, સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભારત સરકારના સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે નાળ ગામમાં BSNLનો ટાવર સ્થાપવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે જેથી ગામલોકોને ડિજિટલ યુગના ફાયદા મળી શકે. ગામ લોકોને આશા છે કે પૂર્વ ધારાસભ્યની આ રજૂઆત પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે અને નાળ ગામને પણ ડિજિટલ ક્રાંતિનો હિસ્સો બનવાનો મોકો મળે.


Tags :