VIDEO: રાજકોટથી અમરેલી જતું ડીઝલ ટેન્કર હાઈવે પર પલટતાં બ્લાસ્ટ, ડ્રાઈવરનું સળગી જતાં મોત

Amreli Accident: બાબરા-અમરેલી રોડ પર લુણકી ગામ નજીક ડીઝલ ટેન્કર પલટી જતાં તેમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ડ્રાઈવર ભડથું થઈ જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતા બાબરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને આગમાં લપેટાયેલા ટેન્કર પર પાણીનો મારો કર્યો હતો. 3 કલાકે આગ કાબૂમાં આવી હતી. ઘટનાની જાણ થતાં બાબરા પોલીસ પણ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, રાજકોટથી અમરેલી તરફ જતું ડીઝલ ભરેલ ટેન્કર બાબરા નજીક પલ્ટી જતા તેમાં બ્લાસ્ટ થયો હતો જેના લીધે પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયો હતો. આ અવાજ દૂર દૂર સુધી સંભળાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ ઘટનાને લઇ લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હજુ ડ્રાઈવરની ઓળખ થઇ શકી નથી.


