હીરા બજાર અને કારખાનાઓ હવે બપોરે 12તી સાંજે 6 વાગ્યા સુધી ધમધમશે
બપોરે 2થી 6 ના સમયથી રત્નકલાકારોને પુરતું કામ મળતું નહોતુઃ હીરાની એક ઘંટી પર બે કારીગર બેસાડવા મ્યુનિ. ની મંજુરી
સુરત તા. 31 જુલાઇ 2020 શુક્રવાર
કોરોના વાયરસના વધતા સક્રમણને પગલે હીરા બજાર અને કારખાનાઓ શરૂ કરવાનો સમય બપોરે 2થી સાંજે 6 વાગ્યાનો હતો તેમાં છુટછાટ સાથે બપોરે 12થી સાંજે 6 વાગ્યાનો અને એક ઘંટી પર 2 રત્નકલાકાર બેસાડવાની સુરત ડાયમંડ એસોસિએશન અને ચેમ્બર ડાયમંડ રિપ્રેઝેન્ટેશન કમિટીની રજૂઆતને એસએમસી દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે.
અનલોક 1 અને 2 માં છુટછાટ સાથે હીરા ઉદ્યોગ શરૂ તો થયો હતો પરંતુ રત્નકલાકારો સુપર સ્પ્રેડર બનતા મોટા ભાગના એકમો સ્વૈચ્છિક બંધ કરી દેવામાં આવ્યા હતા. બીજી તરફ વાયરસના સક્રમણને અટકાવવા તા. 21 જુલાઈથી વરાછાના ચોક્સી અને મિની બજારના આગેવાનો દ્વારા પણ સ્વૈચ્છિક બંધનો નિર્ણય કરાયો હતો. આ બંધની સ્થિતિ વચ્ચે હીરા બજાર અને કારખાનાઓ ચાલુ રાખવાનો સમય બપોરે 2 થી સાંજે 6 વાગ્યાનો કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આ સમયગાળામાં વધારો કરી બપોરે 12 થી સાંજે 6 વાગ્યાનો કરવા માટે સુરત ડાયમંડ એશોસિએશન ઉપરાંત ચેમ્બરની ડાયમંડ રિપ્રેઝન્ટેશન કમિટી દ્વારા એસએમસી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. બપોરે 2થી સાંજે 6 વાગ્યાના મર્યાદિત સમયના કારણે રત્નકલાકારોને પૂરતા પ્રમાણમાં કામ નહીં આપી શકવાની સાથે પેમેન્ટની બાકી ઉઘરાણી કરવામાં પણ મુશકેલી પડી રહી હોવાનું કારણ જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ એક ઘંટી પર 1 રત્નકલાકારની જગ્યાએ 2 રત્નકલાકારોને બેસાડવા માટે એસડીએ ગ્રાફ રજૂ કરી એસએમસીને રજૂઆત કરી હતી. આ રજૂઆતને આજ રોજ એસએમસી દ્વારા માન્ય રાખવામાં આવી છે. આ અંગે ડાયમંડ એસો.ના પ્રમુખ બાબુ છોરવડીએ જણાવ્યું હતું કે હવેથી વરાછાના બંન્ને બજારો, મહિધરપુરા સહિતના તમામ ડાયમંડ બજાર બપોરે 12 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. ઉપરાંત એક ઘંટી પર 2 રત્નકલાકારોને બેસાડી શકાશે તથા એકમ શરૂ કરનાર અને કામે આવનાર તમામે કોરોનાનો ટેસ્ટ પણ કરાવવાનો રહેશે.