મહીસાગરના લુણાવાડામાં જનરલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર અઠવાડિયાથી બંધ, દર્દીઓને હાલાકી
Mahisagar News : મહીસાગરના લુણાવાડામાં આવેલી જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર એક અઠવાડિયાથી બંધ હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા નિશુલ્ક ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી સેન્ટર બંધ રહેતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે.
મળતી માહિતી મુજબ, મહીસાગરના લુણાવાડામાં જનરલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર બંધ હોવાથી ગરીબ દર્દીઓ ડાયાલિસિસ કરાવવા વડોદરા, આણંદ તેમજ અમદાવાદ જવા મજબૂર બન્યા છે. આ સાથે હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિભાગના ડોક્ટરો પણ ન હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા પણ અનેક વખત ડોક્ટરનો સ્ટાફ ભરવા માટે રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ હજુ કેટલાય વિભાગો કાર્યરત ન થતા દર્દીઓને અટવાયા છે. હોસ્પિટલના અધિક્ષકને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, 'આરો સેન્ટર બંધ હોવાના કારણે હાલ બંધ છે, એક બે દિવસમાં તે ચાલુ થઈ જશે.'