ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદ-ખેડાના ગામોમાં ઍલર્ટ
Sabarmati River: ધરોઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના લીધે પાણીની આવક વધતાં મંગળવારે (નવમી સપ્ટેમ્બર) ડેમના બે ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમમાં 13714 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જ્યારે 13714 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ છે. જેના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં અમદાવાદ અને ખેડા જિલ્લાના ગામોને ઍલર્ટ કરયા છે.
ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 91.34 ટકા થયો
મળતી માહિતી અનુસાર, ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા ધરોઈ ડેમની કૂલ સપાટી 622 ફૂટે પહોંચવાની તૈયારીમાં છે. ડેમમાં પાણીનો જથ્થો 91.34 ટકા થયો છે. હાલ ડેમના 2 ગેટ 5 ફુટ ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે. નદીમાં પાણી છોડવામાં આવતા સાબરમતી નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા છે. લોકોને નદીની આસપાસ નહીં ફરવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં સાબરમતી નદીનો વોક વે પણ પાણીમાં ગરકાવ થયો છે.
ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો
ગુજરાતમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર ઝોનને બાદ કરતાં તમામ ઝોનમાં 100 ટકા કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં 117.03, મધ્ય ગુજરાતમાં 110.07, દક્ષિણ ગુજરાતમાં 110.68, કચ્છમાં 116.12 અને સૌરાષ્ટ્રમાં 93 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 જળાશયોમાં 87.54 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 91.07 ટકા પાણીનો સંગ્રહ છે. 127 ડેમ હાઈ એલર્ટ, 24 ડેમ એલર્ટ અને 12 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.