VIDEO: ગુરુપૂર્ણિમા નિમિત્તે રાજ્યના મોટા મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
Guru Purnima : ગુરુપૂર્ણિમા નિમિત્તે રાજ્યમાં આવેલા મોટા મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, ત્યારે નડિયાદના સંતરામ મંદિર, પંચમહાલના પવાગઢ, અંબાજી, દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના પ્રસિદ્ધ તીર્થસ્થાન ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી છે.
સંતરામ મંદિર ખાતે ગુરુ ભક્તો ઉમટ્યાં
ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા સંતરામ મંદિર ખાતે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ગુરુ ભક્તો સંતરામ બાપાના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. આ ઉપરાંત, ખેડૂતો પ્રથમ પાક સંતરામ બાપાને અર્પણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
શામળાજી-મોડાસામાં ભક્તોની ભારે ભીડ
અરવલ્લીના શામળાજી ખાતે શામળિયા શેઠના દર્શન કરવા આજે ગુરુવારે ગુરુપૂર્ણિમાના દિવસે વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. ગુરુપૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો. જ્યારે મંદિર પરિસર શામળિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું. બીજી તરફ, મોડાસાના દેવરાજધામ ખાતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા.
પાવાગઢ ખાતે દર્શનાર્થીઓ ઉમટ્યાં
આજે ગુરુપૂર્ણિમાના દિવસે રાજ્યભરના પ્રસિદ્ધ તીર્થસ્થાન ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આજે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા.
અષાઢ સુદ પૂનમ એટલે ગુરૂપૂર્ણિમાના આજના પાવન દિવસે અંબાજી મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટ્યાં હતા. અંબાજી મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજને ગુરુ માનીને તેમની પૂજા કરીને ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા.
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી
આજે ગુરૂપૂર્ણિમાની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભક્તો રાજ્યના અલગ-અલગ પવિત્ર યાત્રાધામ ખાતે પહોંચીને ભગવાનના દર્શન કરી રહ્યા છે. જેમાં ભગવાન રણછોડરાયના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
દ્વારકાધીશ જગતમંદિર પરિસર 'કૃષ્ણ વંદે જગદગુરુ'ના નાદ ગુંજી ઉઠ્યું
ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. ભગવાનના દર્શન કરવા માટે માનવ મેદની ઉમટી હતી, ત્યારે જગત મંદિરમાં 'કૃષ્ણ વંદે જગદગુરુ' નો નાદ ગુંજી ઉઠ્યો હતો. આ દરમિયાન આજે મૂળ ગાદી પર પૂજન સાથે દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર ધ્વજા આરોહણ કરવામાં આવી.