દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dog Bite In Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનોના આતંકે માઝા મૂકી છે. સલાયામાં શ્વાનોના હુમલાની ઘટનાઓએ રહીશોમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે. ગત રોજ સલાયામાં એક જ દિવસમાં શ્વાનોએ નાના બાળકો અને વૃદ્ધો સહિત કુલ 8 લોકોને બચકા ભરી લોહીલુહાણ કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
લોકોનું બહાર નીકળવું મુશ્કેલ
મળતી માહિતી મુજબ, છેલ્લા ઘણાં દિવસમાં 97 જેટલા લોકો શ્વાન કરડવાનો ભોગ બન્યા છે. ગલીઓ, મુખ્ય રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં શ્વાનોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ શ્વાનોના નિયંત્રણ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.
શ્વાનોના વધતા ત્રાસને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. માતા-પિતા હવે બાળકોને શેરીમાં એકલા રમવા મોકલતા ડરી રહ્યા છે. સવાર-સાંજ ચાલવા નીકળતા વડીલો પર હુમલાની ભીતિ સેવાઈ રહી છે. શ્વાન કરડ્યા બાદ હોસ્પિટલના ધક્કા અને મોંઘી સારવારને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ પણ વધી રહ્યો છે. નિષ્ણાંતોના મતે શ્વાન કરડવાની ઘટનાને હળવાશથી લેવી જોઈએ નહીં. શ્વાનની લાળમાં રહેલો રેબિઝ વાયરસ અત્યંત જીવલેણ છે.
શું સાવચેતી રાખવી?
•શ્વાન કરડે ત્યારે ઘાને તરત જ વહેતા પાણી અને સાબુથી 10-15 મિનિટ સાફ કરવો.
•નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જઈ તુરંત એન્ટી-રેબિઝ વેક્સિન લેવી.
•ઘા પર મરચું, તેલ કે અન્ય ઘરગથ્થુ વસ્તુઓ લગાવવાનું ટાળવું.








