અમદાવાદ રિવરફ્રન્ટ પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડનાર ભુદેવો અને યજમાનોની અટકાયત
અમદાવાદ, તા. 20 જુલાઇ 2020, સોમવાર
શહેરના શાહીબાગ વિસ્તારમાં રિફવરફ્રન્ટ પર નારાયણ ઘાટ પાસે આજે સવારે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યાં હતા. મોટી સંખ્યામાં લોકો સોમવતી અમાવસ્યાની શાસ્ત્રોક્ત પુજા વિધિ કરવા ભેગા થયા હતા અને સાબરમતી નદીમાં નાહ્વા માટે લોકો ઉતર્યાં હતા. કોરોનાને રોકવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવાનું તંત્ર દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ઘણા લોકો હજુ આ વાતને ગંભીરતાથી લઈ રહ્યાં નથી. તો આજે રિવરફ્રન્ટ ખાતે તમામ નિયમોને નેવે મુકતા દ્રશ્યો જોવા મળ્યા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સોમવતી અમાસ અને દિવાસો નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે, કેટલાક લોકો કોરોનાના સંક્ર્મણને અવગણીને, ધાર્મિક આસ્થાને લઈને ભાન ભૂલીને સોશિયલ ડિસ્ટન્સ વિના જ એકઠા થયા. રિવરફ્રન્ટ ખાતેના સુરક્ષા કર્મી કે અન્ય કોઈ તંત્રની નજરે પડે તે રીતે લોકો સાબરમતી નદીમાં સોશિયલ ડિસ્ટન્સ વિના જ પૂજા અને સ્નાન કરતા નજરે પડ્યા હતા.
આ ઘટનાને લઇને સોશિયલ મીડિયામાં ભારે ઉહાપો મચ્યો હતો. દરમિયાન પોલીસે આ ઘટનામાં ગંભીરતા દાખવી દશ ભુદેવો સાથે દશેક યજમાનોની જાહેરનામા ભંગ અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જણાતા કરાઈ અટકાયત કરાઇ છે.
પોલીસે ઘાટ પરથી આ તમામ ભુદેવોને નજીકના પોલીસ મથક ખાતે લઈ જઈને તેમની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ.