અમદાવાદ,બુધવાર,24 મે,2023
અમદાવાદમાં આવેલા તળાવને ઈન્ટરલિંક કરી તેમાં પાણીનો સંગ્રહ કરવાની જાહેરાત કરાઈ છે.આમ છતાં
શહેરના સિત્તેરથી વધુ તળાવ હાલમાં પણ ખાલીખમ છે.દસ કરોડના ખર્ચે ડેવલપ કરાયેલ
અસારવા તળાવ સુકુભઠ્ઠ બન્યુ હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવને ઈન્ટરલિંક કરી પાણીનો સંગ્રહ કરી ચોમાસાની મોસમમાં જોવા મળતી વોટર લોગીંગ સમસ્યાનુ નિરાકરણ લાવવા
માટે કરવામાં આવેલી જાહેરાત પોકળ પુરવાર થઈ હોવાનો મ્યુનિ.વિપક્ષનેતાએ આક્ષેપ
કર્યો છે.અસારવા તળાવને ડેવલપ કરવા તંત્ર તરફથી રુપિયા દસ કરોડનો ખર્ચ કરવામા
આવ્યો હતો.આમ છતાં હાલ તળાવની હાલત દયનીય જોવા મળી રહી છે.લેક કન્ઝર્વેશન પ્લાન
કેન્દ્ર સરકાર દ્વારા બે દાયકા અગાઉ મંજૂર કરવામા આવ્યો હતો.કેન્દ્ર સરકાર દ્વારા
લેક ઓથોરીટી ઓફ ઈન્ડિયાની રચના કરી તળાવના ડેવલપમેન્ટ માટે ૭૦ ટકા રકમ કેન્દ્ર અને
૩૦ ટકા રકમ રાજય સરકાર ભોગવે એવી નિતી નકકી કરવામા આવી હતી.ભૂગર્ભ જળ સ્તર ઉંચા
આવે તથા તાપમાન નીચુ આવે એ હેતુથી વિવિધ શહેર અને રાજય દ્વારા સોથી પણ વધુ તળાવના
ડેવલપમેન્ટ માટે ગ્રાન્ટ મેળવેલ છે.પરંતુ અમદાવાદ મ્યુનિ.તંત્ર તરફથી એક પણ તળાવના
ડેવલપમેન્ટ માટે પ્રોજેકટ મુકવામા આવ્યો નહી હોવાનો પણ વિપક્ષ દ્વારા આક્ષેપ
કરવામા આવ્યો છે.


