અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, સગીરની હત્યા અને શાળાની માન્યતા સહિતના મુદ્દે માગ્યો ખુલાસો
Ahmedabad News : અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકીને હત્યા કરી હોવાની ઘટનાના સમગ્ર દેશમાં પડઘાં પડ્યા છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)એ સેવન્થ ડે સ્કૂલને નોટિસ ફટકારી છે. DEOએ સગીરની હત્યા અને શાળાની માન્યતા સહિતના મુદ્દે ખુલાસો માગ્યો છે. જેમાં આગામી ત્રણ દિવસમાં સ્કૂલે ખુલાસો કરવા જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ DEOએ સેવન્થ ડે સ્કૂલને ICSE બોર્ડની માન્યતા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી NOC રદ કરવા નોટિસ ફટકારી છે. તેમજ ગુજરાત બોર્ડની વિજ્ઞાન પ્રવાહની સ્કૂલ કાર્યરત છે. જ્યારે સ્કૂલમાં સર્જાયેલી ઘટના અંગે કોઈ ખુલાસો કે અહેવાલ રજૂ કરાયો નથી. સમગ્ર મામલે DEOએ સ્કૂલની માન્યતા રદ ન કરવી તે બાબતે ખુલાસો માગવામાં આવ્યો છે.
DEOએ નોંધ્યો છે કે, સ્કૂલમાં બનેલી ઘટનાને લઈને સ્કૂલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની સારવાર માટે કોઈ પગલા ન લઈને બેદરકારી દાખવી છે. જ્યારે વિદ્યાર્થી વચ્ચે ઘણી વખત વિગ્રહની ઘટના સર્જાઈ છતાં શિક્ષણ વિભાગને કોઈને જાણ કરાઈ નથી. તેમજ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સ્કૂલના આચાર્ય અને સ્ટાફની બેદરકારી સામે આવી છે, ત્યારે આ પ્રકારના મુદ્દાને DEOએ સ્કૂલ પાસે ત્રણ દિવસના સમયમાં યોગ્ય ખુલાસો કરવા જણાવ્યું છે.