Get The App

વર્ગ-1ના અધિકારીઓને જિલ્લામાં કામ કરવામાં રસ નથી, 8 જિલ્લામાં DEO-DPEO સંભાળે છે ચાર્જ

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
DEO-DPEO Additional Charge


DEO-DPEO Additional Charge: ગુજરાત શિક્ષણ વિભાગની ગાંધીનગર સ્થિતિ વિવિધ વડી કચેરીઓમાં અંદાજે 9 જેટલા વર્ગ-1ના અધિકારીઓ ફરજ બજાવતાં હોવા છતાં રાજ્યનાં 8 જેટલા જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની અતિ મહત્ત્વની ગણાતી જગ્યાઓ ચાર્જથી ચાલે છે. 

વર્ગ-1ના અધિકારીઓએ જિલ્લાઓમાં કામગીરી કરવા જવુ નથી

વર્ગ-1ના અધિકારીઓ હોવા છતાં જિલ્લાની તમામ સ્કૂલોના વડા એવા ડીઈઓ-ડીપીઈઓની જગ્યાઓ ચાર્જમાં અને એમાય ઘણી જગ્યાઓ તો વર્ગ-2ના અધિકારીઓના હવાલે છે. જેના પાછળનું કારણ જાણવા મળ્યુ છે કે, ગાંધીનગરની કચેરીઓમાં બેઠેલા વર્ગ-1ના અધિકારીઓએ જિલ્લાઓમાં કામગીરી કરવા જવુ નથી. જેથી આ અધિકારીઓ યેનકેન કરી ડેપ્યુટી ડાયરેક્ટરના પ્રમોશન આવે ત્યાં સુધી ગાંધીનગરની એકબીજી કચેરીઓમાં ફર્યા કરે છે. 

રાજકોટમાં વર્ગ-2ના અધિકારી સામે ફરિયાદ ઉઠતાં ડીઈઓનો ચાર્જ છીનવી લેવાયો

બીજી તરફ રાજકોટમાં વર્ગ-2ના અધિકારી સામે ફરિયાદ ઉઠતાં ડીઈઓનો ચાર્જ છીનવી લેવાયો છે. મળતી વિગતો મુજબ રાજ્યમાં વલસાડ ડીપીઈઓ, અમદાવાદ ડીપીઈઓ, મહિસાગર ડીપીઈઓ, ભાવનગર ડીપીઈઓ, સુરેન્દ્રનગર ડીપીઈઓ, સુરત ડીપીઈઓ, વડોદરા ડીઈઓ અને રાજકોટ ડીઈઓની જગ્યા ચાર્જથી ચાલે છે. 

મોટાભાગની જગ્યાઓ વર્ગ-2ના અધિકારીથી પણ ચાલી શકે 

તેમજ ગાંધીનગર સ્થિતિ શિક્ષણની કચેરીઓમાં વર્ગ-1ના અંદાજે 9 જેટલા અધિકારીઓ ફરજ બજાવે છે. જેથી માગ ઉઠી છે કે, આ અધિકારીઓને જિલ્લાઓમાં મુકવા જોઈએ જેથી કાયમી ડીઈઓ-ડીપીઈઓ મળી રહે.  હાલમાં આ અધિકારીઓ જે જગ્યામાં ફરજ બજાવે છે એ પૈકીની મોટાભાગની જગ્યાઓ વર્ગ-2ના અધિકારીથી પણ ચાલી શકે એવી હોવાનું સુત્રોનું જણાવ્યું છે. 

ડીઈઓ-ડીપીઈઓની જગ્યાનો ચાર્જ વર્ગ-2ના અધિકારીઓને આપતા વિવાદ 

ડીઈઓ-ડીપીઈઓની જગ્યાનો ચાર્જ વર્ગ-2ના અધિકારીઓને આપવાની અનેક વખત વિવાદ સર્જાયા છે. હાલમાં પણ સુરેન્દ્રનગર અને વલસાડમાં વર્ગ-2ના અધિકારી પાસે વર્ગ-1નો ચાર્જ છે. એ સિવાય ચાર્જમાં ચાલતી જગ્યાઓમાં પણ લાંબા અંતર સુધીના ચાર્જે અપાતાં વહિવટી કામગીરીમાં પણ મુશ્કેલી સર્જાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: જમાલપુરના ત્રિકમજી મંદિરની જમીનનો ગેરકાયદે 2.36 કરોડમાં સોદો, સાત વિરૂદ્ધ ફરિયાદ

રાજકોટમાં જે ચાર્જ છીનવાયો છે એમાં ગત તા. 5 ડિસેમ્બર-2024ના રોજ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શાસનાધિકારી તરીકે ફરજ બજાવતાં વર્ગ-2ના અધિકારી કિરિટસિંહ પરમારને રાજકોટ ડીઈઓનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. રાજકોટ ડીઈઓનો ચાર્ચ સોંપાયા બાદ આ અધિકારી સતત વિવાદમાં રહેતા તેમની પાસેથી ચાર્જ છીનવી ડીપીઈઓ દિવિત પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો છે.


Tags :