Get The App

અમદાવાદના જમાલપુરમાં 700 વર્ષ જૂનું ત્રિકમજી મંદિર ભૂમાફિયાઓએ પચાવી બારોબાર વેચી નાખ્યું

Updated: May 19th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના જમાલપુરમાં 700 વર્ષ જૂનું ત્રિકમજી મંદિર ભૂમાફિયાઓએ પચાવી બારોબાર વેચી નાખ્યું 1 - image

Jamalpur Trikamji Mandir Land Disputes: અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા 700 વર્ષ જુના પ્રાચીન ત્રિકમજી મંદિરની કરોડો રૂપિયાની જમીન ભૂમાફિયાઓએ ગેરકાયદે કબજે કરી બારોબાર વેચી દીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સાત લોકો વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદમાં બેની ધરપકડ કરવામાં આવી હોવાનું  ગાયકવાડ હવેલી પોલીસ મથકે જણાવ્યું છે. આ સાત ભૂમાફિયાઓએ બોગસ દસ્તાવેજ અને ઠરાવ પસાર કરીને ચેરીટી કમિશનરના તાબાની જમીનનો બોગસ વેચાણ દસ્તાવેજ તૈયાર કર્યો હતો.

જાહેર ટ્રસ્ટની માલિકીની જમીનના મામલે હાઈકોર્ટે વેચાણ પર રોક મૂકી હોવા છતાં 2.36 લાખ કરોડ રૂપિયામાં સોદો કરવામાં આવ્યો છે. જાહેર ટ્ર્સ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રિજેશ પરમારે ગાયકવાડ હવેલી પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, જમાલપુરમાં સ્થિત 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિરની નોંધણી બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ 1951માં થઈ હતી. જેમાં ચેરીટી કમિશનર ગુજરાત રાજ્ય દ્વારા ભોગીલાલ ત્રિકમલાલ, મહંત સીયારામ દાસજી, કાંતિલાલ શાહ અને બાબુભાઈ રાવલની ટ્રસ્ટી તરીકે નોંધણી કરવામાં આવી હતી. ત્યારબાદ કોઇ ટ્રસ્ટી ન હોવાથી આ મંદિરની જમીનની માલિકી ચેરીટી કમિશનર કચેરીની થઈ હતી. 

હાઈકોર્ટે જમીન ન વેચવા આપ્યો હતો આદેશ

ઓક્ટોબર 1999માં શિવરામદાસજી વૈષ્ણવ અને મહંત ગુરૂમોરલીદાસજી મંદિરની જમીન ઓનર્સ એસોસિએશન વતી બાબુભાઈ શાહને વેચાણે આપવામાં આવી હતી. પરંતુ, આ જમીનના વેચાણ માટે ચેરીટી કમિશનરની મંજુરી લેવામાં આવી નહોતી. જે અનુસંધાનમાં કોર્ટમાં કેસ દાખલ થયો હતો. ત્યારબાદ હાઇકોર્ટમાં સહલ ઓનર્સ એસોસિએશન વિરૂદ્ધ દાવો કરવામાં આવ્યો હતો. જેમાં હાઈકોર્ટના ચુકાદા અનુસંધાનમાં સહલ ઓનર્સ અને ચેરીટી કમિશનર જમીન વેચાણ કે અન્ય કોઈ નિર્ણય ન લઈ શકે અને 1999માં બનાવવામાં આવેલો દસ્તાવેજ કોર્ટમાં સુનાવણીમાં હતો. 

બોગસ દસ્તાવેજો-ઠરાવોથી જમીન વેચી

સહલ ઓનર્સ એસોસિએશન દ્વારા ડિસેમ્બર, 2016માં બોગસ ઠરાવ પસાર કરાવીને ઓનર્સ એસોસિએશનના વહીવટદાર મોહમંદ અસગર પઠાણને અશક્ત બતાવીને શેખ નિઝામુદ્દીન રહેમાનની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ ઠરાવમાં બાબુલાલ શાહ અને અસગર શેખની સહી હતી. ત્યારબાદ નિઝામુદ્દીન શેખના પૌત્ર બિલાલ હનીફ શેખે નિયમ વિરૂદ્ધ જઈને વર્ષ 2023માં જિલ્લા કલેક્ટર કચેરીમાં જમીન વેચાણ અંગે મંજુરી માંગી હતી. અને આ જમીનનો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. જ્યારે આ જમીનનો 1999નો દસ્તાવેજ કોર્ટમાં હતો. ત્યારબાદ આ જગ્યા પર બિલાલ શેખ અને તેના મળતિયાઓ સીમરન ગ્રૂપે ગેરકાયદે કબજો લીધો.

સાત આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ

આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ સી.વી. ગોસાઈએ જણાવ્યું કે વર્ષ 2023ના દસ્તાવેજમાં ઉલ્લેખ છે કે આ જમીન બાબુલાલ શાહ, મોહમંદ અસગર અને શેખ નિઝામુદ્દીન દ્વારા બિલાલ શેખ, રોહન કાદરી, ઝીશાન કાદરી અને સદામહુસૈનને વેચાણ આપવામાં આવી હતી. આ આરોપીઓએ ચેરીટી કમિશનરની માલિકીની જમીન પચાવી લીધી હતી. આ માટે 2.36 કરોડ રૂપિયાના દસ્તાવેજ થયા હતા. અનેક બોગસ દસ્તાવેજ તૈયાર કરાવ્યા હતા. આ બાબતે કલેકટર કચેરીમાં જમીન વેચાણ અંગેની મંજૂરી અંગે પણ તપાસ કરવામાં આવશે. 

નોંધનીય છે કે 1999માં જે દસ્તાવેજ થયો હતો, તે વિવાદાસ્પદ હોવાથી કોર્ટે સુનાવણીમાં પોતાની પાસે રાખ્યો હતો. જ્યારે 2023માં આ જમીન ખાનગી હોવાનો દાવો કરીને ગેરકાયદે દસ્તાવેજ થયો હતો. આમ, આ કૌભાંડમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.

મંદિરની જમીન પચાવી પાડનારા આરોપી

1. બાબુભાઈ ડાહ્યાલાલ શાહ

2. મોહમંદ અસગર પઠાણ  

3. નિઝામુદ્દીન શેખ રહે. ચંપામીલની ચાલી, જમાલપુર

4. મોહંમદ બિલાલ શેખ રહે. ચંપામીલની ચાલી,જમાલપુર

5. ઝીશાન કાદરી રહે.પાકિઝા સોસાયટી, શાહઆલમ

6. રોહન કાદરી રહે. નિલમબાગ બંગ્લોઝ, શાહઆલમ

7. સદામહુસૈન કુરેશી રહે. અલહુદા સોસાયટી, શાહઆલમ


Tags :