Get The App

નડિયાદના પ્રગતિનગર પાસે હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશન : 5 મકાન તોડી પડાયા

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદના પ્રગતિનગર પાસે હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશન : 5 મકાન તોડી પડાયા 1 - image

- હાઉસિંગ બોર્ડની ટીમ જેસીબી મશીનો અને ટાઉન પોલીસના કાફલા સાથે ત્રાટકી 

- જમીન અને મકાનોનો વિવાદ કોર્ટમાં પડતર હોવા છતાં નોટિસ આપ્યા વિના કાર્યવાહી કરાયાનો આક્ષેપ : વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે પરિવારો લાચાર

નડિયાદ : નડિયાદમાં એસ.આર.પી. વિસ્તારથી પ્રગતિનગર તરફ જતા નવા માર્ગ પર આવેલા પાંચ મકાનો પર હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યોે છે કે, કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના અને અદાલતમાં કાનૂની વિવાદ પડતર હોવા છતાં વહીવટી તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે મકાનો તોડી પાડવાની કાર્યવાહી કરી છે. આ કામગીરીને પગલે વર્ષોથી વસવાટ કરતા તળપદા સમાજના પરિવારો ઘરવિહોણા બની રસ્તા પર આવી ગયા હતા.

નડિયાદ શહેરમાં વિકાસના કાર્યોે હેઠળ એસ.આર.પી. વિસ્તારથી પ્રગતિનગરને જોડતો નવો રસ્તો બનાવવામાં આવ્યો છે. આ માર્ગની બાજુમાં આવેલા મકાનો હટાવવા માટે હાઉસિંગ બોર્ડની ટીમ જેસીબી મશીનો અને નડિયાદ ટાઉન પોલીસના મોટા કાફલા સાથે ત્રાટકી હતી. તંત્રએ મકાનો તોડવાની પ્રક્રિયા શરૂ કરતા જ રહીશોમાં નાસભાગ અને અફડાતફડી મચી ગઈ હતી. મકાનોમાં રહેતા વૃદ્ધો અને બાળકોને તાત્કાલિક બહાર કાઢી મકાનો ખાલી કરાવાયા હતા. જેના કારણે પરિવારોએ પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ઘરવખરીનો સામાન ખુલ્લા રસ્તા પર મૂકવાની ફરજ પડી હતી.

રહીશોના જણાવ્યા મુજબ, આ જમીન અને મકાનોના મામલે કોર્ટમાં કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે, તેમ છતાં તંત્રએ ઉતાવળે પગલાં ભરીને તોડફોડ કરી હતી. ધોળા દિવસે આશિયાના છીનવાઈ જવાથી અસરગ્રસ્ત લોકોમાં ભારે આક્રંદ અને રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે, તેમને સામાન ખસેડવા કે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી. રાતોરાત નાના બાળકો અને વૃદ્ધોને લઈને ક્યાં જવું તેવા પ્રશ્ન સાથે લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યોે હતો. જોકે પોલીસની હાજરીમાં તંત્ર દ્વારા મકાનો જમીનદોસ્ત કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી અને રહીશોની રજૂઆતો ધ્યાને લેવામાં આવી ન હતી. આ ડિમોલિશનને કારણે વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.