વડોદરા એક્સપ્રેસ વે પર ખાટુ શ્યામ જતાં પરિવારનો અકસ્માત, ત્રણના મોત, આઈસરે પાછળથી ટક્કર મારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Expressway Accident: વડોદરાના કરજણ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે બન્યો રક્તરંજિત બન્યો છે. સતત બીજા દિવસે મોટો અકસ્માત થતાં એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. હાઈવે પર સાઈડમાં ઉભેલી કારને પાછળથી આવી રહેલા આઈસર ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી, જેમાં સેલવાસથી રાજસ્થાનના ખાટુ શ્યામ જઈ રહેલા એક જ પરિવાર ત્રણ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. અકસ્માતમાં અન્ય 4-5 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
પોલીસે તપાસ શરૂ કરી
ભયાનક માર્ગ અકસ્માત ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, હાલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પર સતત વધતા અકસ્માતોને પગલે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
કારમાં અવાજ આવતો હતો એટલે બહાર નીકળ્યા
મૃતકના ભાઈએ આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ વાપીના વતની છે. તેમનો પરિવાર અર્ટિગા કારમાં સવાર થઈને સેલવાસથી રાજસ્થાન સ્થિત ખાટું શ્યામ બાબાના દર્શનાર્થે નીકળ્યો હતો. સાત પુરુષો, મહિલાઓ અને ત્રણથી ચાર બાળકો સહિત આખો પરિવાર પ્રવાસ કરી રહ્યો હતો. ભરૂચ પસાર કર્યા બાદ વડોદરા નજીક કારમાંથી અચાનક કોઈ અસાધારણ અવાજ આવવા લાગ્યો હતો. આથી ચાલકે કારને હાઈવેની સફેદ પટ્ટીની બાજુમાં સુરક્ષિત જગ્યાએ ઊભી રાખી હતી. ગાડીમાં શું ખામી સર્જાઈ છે તે જોવા માટે તમામ પુરુષો નીચે ઉતર્યા હતા, જ્યારે મહિલાઓ અને બાળકો કારની અંદર જ બેઠા હતા.
આ પણ વાંચો: સ્કૂલો શરૂ થયાના પહેલા જ દિવસે વાલીઓને ઝટકો, વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં ધરખમ વધારો
તે દરમિયાન પાછળથી ધસમસતા આવેલા એક આઈસર ટ્રકે રસ્તા કિનારે ઊભેલા પુરુષોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે બહાર ઊભેલા તમામ લોકો હવામાં ફંગોળાઈ ગયા હતા. અકસ્માત સર્જીને ભાગી રહેલા ટ્રકને આગળ જતાં રોકી લેવામાં આવ્યો હતો અને તેના ફોટોગ્રાફ્સ તેમજ વીડિયો પણ લેવામાં આવ્યા છે. અકસ્માત બાદ રાત્રે આશરે બે વાગ્યાની આસપાસ તમામ ભોગ બનનારાઓને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે બાકી બચેલા ચારથી પાંચ સભ્યો અને માસૂમ બાળકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઈજાગ્રસ્તોમાંથી કોઈને હાથમાં તો કોઈને પગમાં ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી છે.
મૃતકોના નામ
-પ્રમોદભાઇ ભાઇદાસ પાટીલ
-વિશાલ બાલુ દેવરે
-વંદનાબાઇ બાલુ દેવરે









