Get The App

સ્કૂલો શરૂ થયાના પહેલા જ દિવસે વાલીઓને ઝટકો, વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં ધરખમ વધારો

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
સ્કૂલો શરૂ થયાના પહેલા જ દિવસે વાલીઓને ઝટકો, વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં ધરખમ વધારો 1 - image

Ahmedabad News: એક તરફ શાળાઓ શરૂ થતાં બાળકોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ શાળા ખૂલવાના પહેલા જ દિવસે વાલીઓ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. CNG ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે આર્થિક બોજ વધ્યો છે. છેવટે અમદાવાદ સ્કૂલ વર્ધી ઍસોસિએશને પણ હથિયાર હેઠા મૂક્યા છે અને આજે ઍસોસિએશનની એક મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે વાહનોના ભાડામાં વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

વાનના માસિક ભાડામાં 200 રૂપિયા, સ્કૂલ રિક્ષામાં 100 રૂપિયાનો વધારો

આજરોજ, 8 જૂનને સોમવારથી તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી શાળા-કૉલેજોમાં શૈક્ષણિક વર્ષ 2026-27ના નવા શૈક્ષણિક સત્રની શરૂઆતની સાથે જ રાજ્યભરના વાલીઓને વધુ એક મોંઘવારીનો આકરો માર સહન કરવાનો વારો આવ્યો છે. સ્કૂલ વર્ધી ઍસોસિએશન દ્વારા લેવાયેલા આ નિર્ણય અંતર્ગત હવેથી સ્કૂલ વાનના માસિક ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આમ, નવું સત્ર શરૂ થતાં જ એક તરફ યુનિફોર્મ, પુસ્તકો અને સ્કૂલ ફીનો મોટો ખર્ચ સામે ઊભો છે, ત્યાં બીજી તરફ ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં થયેલો આ વધારો મધ્યમવર્ગીય પરિવારોના ઘરનું બજેટ ખોરવશે તે પણ નક્કી છે.

અમદાવાદ સ્કૂલ વર્ધી ઍસોસિએશનનો નિર્ણય

અમદાવાદ સ્કૂલ વર્ધી ઍસોસિએશન જણાવ્યા અનુસાર, છેલ્લા 2 વર્ષથી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ હાલમાં CNG ગેસના ભાવમાં Rs. 12નો મોટો વધારો થતાં આ નિર્ણય લેવો પડ્યો છે. જૂન 2024માં CNGનો ભાવ Rs. 76.09 હતો, જે જૂન 2026માં વધીને Rs. 88.02 થયો છે. આ ઉપરાંત R.T.O ખર્ચ, વીમો અને સ્પેરપાર્ટ્સની મોંઘવારીને કારણે સ્કૂલ વાનના ભાડામાં Rs. 200 અને સ્કૂલ રીક્ષાના ભાડામાં Rs. 100નો માસિક વધારો કરવામાં આવ્યો છે.

કિલોમીટર પ્રમાણે નવું માસિક ભાડું નીચે મુજબ રહેશે

સ્કૂલ રીક્ષાનું નવું ભાડું (Rs.)/માસિક દીઠ

1 કિલોમીટર: Rs. 850

2 કિલોમીટર: Rs. 950

3 કિલોમીટર: Rs. 1050

4 કિલોમીટર: Rs. 1150

5 કિલોમીટર: Rs. 1250

(દર કિલોમીટર દીઠ Rs. 100 રૂપિયા માસિક વધારો)

સ્કૂલ વાનનું નવું ભાડું (Rs.)/માસિક દીઠ

1 કિલોમીટર: Rs. 1400

2 કિલોમીટર: Rs. 1600

3 કિલોમીટર: Rs. 1800

4 કિલોમીટર: Rs. 2000

5 કિલોમીટર: Rs. 2200

(દર કિલોમીટર દીઠ Rs. 200 રૂપિયા માસિક વધારો)

સ્કૂલો શરૂ થયાના પહેલા જ દિવસે વાલીઓને ઝટકો, વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં ધરખમ વધારો 2 - image