OBC અનામતનો ઘણો હિસ્સો સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે, ભાજપ ધારાસભ્યે ઊઠાવ્યા સવાલ
P.K. Parmar caste census: દસાડાના ભાજપના ધારાસભ્યએ અનામત મુદ્દે વિવાદીત બોલ બોલતાં વિવાદ સર્જાયો છે. ધારાસભ્ય પી.કે.પરમારે જાહેર મંચ પરથી કહ્યું કે, 27% ઓબીસી અનામતનો મોટાભાગનો હિસ્સો તો સમૃધ્ધ જ્ઞાતિઓ જ લઈ જાય છે. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યાં છે કેમકે, તેમણે જાતિ આધારિત વસતી ગણતરી કરવા માંગ કરી છે.
ઓબીસી અનામત મુદ્દે ભાજપના ધારાસભ્યનો વિવાદાસ્પદ નિવેદન
ઓબીસી અનામતની ફાળવણી મામલે ખુદ ભાજપના ધારાસભ્યએ વિવાદીત બોલ બોલતાં સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. પાટડીમાં ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજીત વિદ્યાર્થી સન્માન સમારોહમાં ધારાસભ્ય પી.કે.પરમારે ઓબીસી અનામત મુદ્દે સવાલ ઉઠાવતાં કહ્યું કે, 27% અનામતમાં કેટલીક સમૃધ્ધ જાતિઓ ઘણો ખરો હિસ્સો લઈ જાય છે પરિણામે એવી સ્થિતી સર્જાઈ છેકે, જરૂરિયાતમંદ સમાજને પુરેપુરો લાભ મળતો જ નથી.
જાતિ આધારિત વસતી ગણતરીને ભાજપના ધારાસભ્યનું સમર્થન
રાહુલ ગાંધીને સમર્થન કરતાં ભાજપના ધારાસભ્યએ જાહેરમંચ પરથી એ વાત દોહરાવી કે, જાતિ આધારિત વસતી ગણતરી થવી જોઈએ જેથી સાચી સ્થિતીનો ખ્યાલ આવી શકે. વસતી ગણતરીથી જ કઈ જ્ઞાતિની કેટલી વસતી છે તે જાણી શકાશે. તેમણે એવુ સૂચન કર્યું કે, જેની જેટલી વસતી, તેનો અનામતમાં તેટલો જ હિસ્સો. આ સિધ્ધાંત આધારે જ અનામતની ફાળવણી થવી જોઇએ.
આ પણ વાંચો: અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો કડક આદેશ
જીજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા: ભાજપના ધારાસભ્યનું સમર્થન અને ભાજપની મુશ્કેલી
આ તરફ, કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ એવી પ્રતિક્રિયા આપી કે, આજે ભાજપના ધારાસભ્ય રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યાં તે આનંદની વાત છે, પણ સવાલ એ છે કે, ભાજપના ધારાસભ્યને આટલાં વર્ષે ખબર પડી. ખરેખર તો ભાજપના બધાય ધારાસભ્યોએ જાતિગત વસતી ગણતરીને સમર્થન આપવું જોઈએ. આમ, વિવાદીત બોલ બોલી ભાજપના ધારાસભ્યએ ભાજપને ભેખડે ભેરવી દીધું છે.