અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો કડક આદેશ
Ahmedabad News : અમદાવાદમાં દર વર્ષે રુપિયા એક હજાર કરોડથી વધુ રકમનો ખર્ચ નવા રોડ બનાવવા, રીસરફેસ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. વિવિધ રસ્તાઓની જાળવણી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અમલમાં મુકાશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં તૂટેલા રસ્તા અને ફુટપાથ 24 કલાકમાં રીપેર કરવા આદેશ કર્યો છે. ૨૪ મીટર કે તેથી વધુ પહોળાઈના રોડનું દર ત્રણ મહીને ઈન્સપેકશન કરવા તથા બમ્પ અને સ્ટોપલાઈન દર છ મહીને રીપેર કરવા રોડ,ઈજનેર વિભાગને તાકીદ કરી છે.
શહેરમાં બી.આર.ટી.એસ.,મોડલ રોડ ફેઝ-વન, આઈકોનીક રોડ ઉપરાંત સી.જી,રોડ તેમજ 24 મીટર કે તેથી વધુ પહોળાઈના રસ્તા તેમજ 18 મીટર પહોળાઈ ધરાવતા વોલ ટુ વોલ રોડ અલગ અલગ વિસ્તારમાં બનાવાયા છે.રોડ સરફેસ લાંબો સમય ટકી રહે એ માટે તથા વાહન ચાલકો અને રાહદારીઓને ચાલવા માટે બનાવવામા આવતી ફુટપાથનું નિયમિત મેઈન્ટેનન્સ થાય એ બાબત ઉપર મ્યુનિસિપલ કમિશનરે ભાર મુકયો છે. રસ્તાઓનુ સમયાંતરે ઈન્સપેકશન થાય તો ઓછા ખર્ચમાં તૂટેલા રસ્તા કે ફુટપાથ રીપેર કરી શકાય.
આ ઉપરાંત રોડ વચ્ચે આવેલ સેન્ટ્રલ વર્જ તેમજ અલગ અલગ રોડ ઉપર મુકવામાં આવેલ રોડ ફર્નિચરને રીપેર કરી રસ્તાઓ વધુ મજબુત અને સુરક્ષિત બનાવવા તાકીદ કરી છે.નોંધપાત્ર બાબત એ છે કે, શહેરના વિવિધ રસ્તાઓ ઉપર કોર્પોરેશન દ્વારા લેફટ ટર્ન ખુલ્લા કરાયા છે.
આમ છતાં મોટાભાગના રસ્તાઓ ઉપર રાઈટ સાઈડ કે સીધી દિશામાં જવાનુ હોય તેમ છતાં વાહન ચાલકો તેમના વાહનો લેફટ ટર્ન ઉપર ઉભા રહેતા હોવાના દ્રશ્યો જોવા મળતા હોય છે. આ ઉપરાંત રોડ રીસરફેસની કામગીરી ચાલતી હોય તેવા સ્થળોએ ભાગ્યેજ કોર્પોરેશનના અધિકારી હાજર જોવા મળતા હોય છે.
રોડ મેઈન્ટેનન્સ માટે કયારે શું કરાશે?
-થર્મોપ્લાસ્ટ પેઈન્ટ, સ્ટોપલાઈન, ઝીબ્રા ક્રોસીંગ, કર્બનુ દર ત્રણ મહીને ઈન્સપેકશન, દર વર્ષે રીપેરીંગ
-કેટ આઈ, ટ્રાફિક સાઈન બોર્ડનું દર ત્રણ મહીને ઈન્સપેકશન, તૂટેલ કેટઆઈ તાત્કાલિક બદલવી
-તૂટેલા સાઈન બોર્ડ તાકીદે બદલવા,કર્બ,ફુટપાથ ઈનેમલ પેઈન્ટનુ દર ત્રણ મહીને ઈન્સપેકશન
-જરુર જણાય તો દર મહીને સ્ટોપલાઈન,બમ્પ અને ઝીબ્રા દર મહીને પેઈન્ટ કરવા