Get The App

ડાંગના આહવામાં મેઘો મુશળધાર : 9 ઇંચ વરસાદ ખાબકતાં નદીઓમાં ઘોડાપૂર, એક તણાયો

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
ડાંગના આહવામાં મેઘો મુશળધાર : 9 ઇંચ વરસાદ ખાબકતાં નદીઓમાં ઘોડાપૂર, એક તણાયો 1 - image


Heavy Rain in Dang:  ડાંગ જિલ્લામાં નવરાત્રીની શરૂઆત સાથે મેઘરાજા ગાજવીજ સાથે મુશળધાર વરસ્યા હતા. ગત 24 કલાકમાં આહવામાં 9.15 ઇંચ સહિત જિલ્લામાં સરેરાશ 4.50 ઇંચ વરસાદ ખાબકતા નદીઓમાં ભયાનક ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઇ હતી. ગામડાઓમાં વાદળ ફાટ્યું હોય તેમ વરસાદ પડતા લોકોએ 1967 ની રેલ જેવી સ્થિતિનો સામનો કરવો પડતા જનજીવન પ્રભાવિત થયું હતું. ઠેર-ઠેર માર્ગોની સાઈડ,કોઝવેકમ પુલો ધોવાવા સાથે ભેખડો ધસી પડવાની ઘટના બની હતી. તો વિજપોલ સહિત સંરક્ષણ દીવાલો ધરાશયી થતા 36 જેટલા આંતરિક માર્ગો અવરોધાયા હતા. કાકરદાનાં એક વ્યક્તિ અને એક પશુપાલકનાં 8 પશુઓ તણાઈ ગયા હતા.


આ પણ વાંચો : અમદાવાદમાં ચોંકાવનારી ઘટના: પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો, બંને ગંભીર રીતે દાઝ્યા

ઠેર-ઠેર ભેખડો ધસી પડી, કોઝવે ધોવાયા : 100થી વધુ ગામોનો સંપર્ક કપાયો  

ડાંગ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. આહવામાં 9.16 ઇંચ, સાપુતારામાં 3.68 ઇંચ, સુબીરમાં 3.28 ઇંચ અને વઘઇમાં 1.84 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ હતી. સોમવારે રાતથી મંગળવારે દિવસ દરમિયાન ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, પીંપરી, આહવા, સાકરપાતળ, બાજ, ખાતળ, કોશીમદા, ચીંચલી, વઘઇ, સુબિર, પૂર્વપટ્ટી અને સરહદીય સહિત ઉપરવાસનાં પંથકોમાં ગાજવીજ સાથે દેમાર વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ સાથે અંબિકા, ખાપરી અને પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતા બિહામણા દ્રશ્યો જોવા મળ્યા હતા. સાપુતારા-વઘઇ આંતરરાજ્ય માર્ગ પર બાજ ગામનાં માઇનોર બ્રિજની સાઇડ ધોવાઈ જતા થોડાક સમય માટે માર્ગ અવરોધાયો હતો. નદી કાંઠે આવેલા અનેક માર્ગોની સાઈડો, કોઝવે તથા પુલોનાં એપ્રોચ, સંરક્ષણ દીવાલોનાં ધોવાણ સહિત વીજપોલ ધરાશયી થતા વ્યાપક નુકસાન થયું હતું. 

સાપુતારા-વઘઇ આંતર રાજય ધોરીમાર્ગ, આહવા-વઘઇ રાજય ધોરીમાર્ગ, પીંપરી-ભેસકાતરી રાજય ધોરીમાર્ગ, આહવા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત જિલ્લા પંચાયત હસ્તકનાં 36 આંતરિક માર્ગો અવરોધાયા હતા. જેના પગલે 100 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. વઘઇ તાલુકાનાં બાજ, ખાતળ, માછળી, કોશીમપાતળ અને આહવાનાં ચીકટિયા પંથકમાં વાદળ ફાટ્યું હોય તેમ લોકોનાં ઘરોમાં પાણી ભરાયા હતા. વઘઇાનાં બાજ ગામે શાળા સહિત ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને આખી રાત પાણીમાં રહી વિતાવવાની નોબત આવી હતી. આહવાનાં ચિકટિયા ગામે ખાપરી નદીનાં પૂર ફરી વળતા હનુમાનજીનાં મંદિરનો શેડ તણાઈ ગયો હતો. 

ચિકટિયા ગામનો કોઝવે કમ પુલનો એપ્રોચ ધોવાઈ ગયો હતો. નદી કાંઠાના ઘરોમાં પાણી ભરાયા હતા. અહીથી એક પશુપાલકનાં 8 પશુઓ તણાઈ જતા મોત થયા હતા. નડગચોંડ ગામે બે પશુના મૃત્યું નોંધાયા હતા. વઘઇના કાકરદા ગામનો એક રહીશ પણ તણાઇ ગયો હતો. જ્યારે કુડકસ કોશિમપાતળનો બ્રિજનો એપ્રોચ ધોવાયો છે. ઠેર-ઠેર વૃક્ષો, માટીનો મલબો અને ભેખડો ધસી પડવાની ઘટના બની હતી.જેના પગલે વાહન વ્યવહાર અવરોધાયો હતો. અમુક જગ્યાએ વિજપોલ ધરાશયી થતાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અંબિકા નદી રોદ્ર સ્વરૂપમાં આવતા વઘઇનો ગીરાધોધ પાણીથી આખો ઢંકાઈ ગયો હતો.


Tags :