હૃદયદ્રાવક ઘટના: ડાકોરમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં વિધવા મહિલાનું કરૂણ મોત; બે બાળકો નિરાધાર બન્યા

Kheda News: ખેડા જિલ્લાના ડાકોર નજીક મીઠાપુરા ગામના મોટા ખેતર વિસ્તારમાં શનિવારે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. એક કાચા મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં ઘરમાં હાજર વિધવા મહિલાનું કાટમાળ નીચે દબાઈ જવાથી ગંભીર ઈજાઓ થતાં કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં તેમના બે માસૂમ બાળકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ માતાનું અકાળે અવસાન થતાં બંને બાળકો સંપૂર્ણપણે નિરાધાર બન્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક રમીલાબેન આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શનિવારે બનેલી આ દુર્ઘટનામાં જર્જરિત કાચા મકાનની દીવાલ એકાએક તૂટી પડતાં રમીલાબેન અને તેમના બે બાળકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
બૂમાબૂમ સાંભળીને સ્થાનિક રહેવાસીઓ અને પડોશીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેઓએ ભારે જહેમત બાદ કાટમાળમાંથી બંને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. પરંતુ રમીલાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: જાફરાબાદના ધોળાદ્રી ગામે કરુણાંતિકા: પાણીના પ્રવાહમાં લાપતા ખેડૂતનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો
સૂત્રોએ જણાવ્યું કે મૃતક મહિલાના પતિનું અગાઉ અવસાન થયું હતું. હવે માતાનું પણ મોત નીપજતાં અંદાજે 6 થી 8 વર્ષની વયના આ બંને બાળકોએ માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી છે. આ કરૂણ ઘટનાથી સમગ્ર પંથકમાં ગમગીની અને ભયનો માહોલ છવાયો છે. સ્થાનિકો નિરાધાર બનેલા આ બાળકોને તાત્કાલિક સરકારી સહાય મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
ઘટનાની જાણ થતાં ડાકોર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દુર્ઘટનાના કારણ અંગે પૂરતી તપાસ શરૂ કરી છે.

