જાફરાબાદના ધોળાદ્રી ગામે કરુણાંતિકા: પાણીના પ્રવાહમાં લાપતા ખેડૂતનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો

Amreli News: જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામમાં રહેતા એક ખેડૂતના પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી મોત નિપજ્યાની દુઃખદ ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા ખેતરે ગયેલા 55 વર્ષીય ખેડૂત લાપતા થયા હતા, જેમની બે દિવસની સખત શોધખોળ બાદ આજે મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર ધોળાદ્રી ગામના રહેવાસી જાદવભાઈ રાઠોડ (ઉ. વ. 55) બે દિવસ અગાઉ પોતાના ખેતરે ગયા હતા. તે દરમિયાન તેઓ અચાનક પાણીના ભારે પ્રવાહમાં ફસાઈ ગયા હતા અને જોતજોતામાં પ્રવાહમાં તણાઈ જતાં ગુમ થયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું અને ખેડૂતની શોધખોળ માટે એનડીઆરએફ (NDRF) ની ટીમને બોલાવવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી એનડીઆરએફની ટીમ દ્વારા લાપતા જાદવભાઈની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ગંભીર ઘટનાની જાણ થતાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓ પોતે પણ ગુમ થયેલા ખેડૂતની શોધખોળના કાર્યમાં જોડાયા હતા અને તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આખરે બે દિવસની અથાક મહેનત અને સઘન શોધખોળ બાદ એનડીઆરએફની ટીમને જાદવભાઈ રાઠોડનો મૃતદેહ મળી આવ્યો હતો. ખેડૂતના આકસ્મિક અવસાનને કારણે ધોળાદ્રી ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

