દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મ-હત્યાનો કેસ, કોર્ટે આરોપી આચાર્યને ફટકારી 10 વર્ષ સજા, પોલીસ તપાસ સામે ઉઠ્યા સવાલ
Dahod News: સમગ્ર ગુજરાતમાં ચકચારી મચાવનાર દાહોદમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના પ્રયાસ અને હત્યાના કેસમાં મોટા સમચાર સામે આવ્યા છે. દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાના કેસમાં આચાર્યને લીમખેડા સેશન્સ કોર્ટ દ્વારા ગંભીર બેદરકારી બદલ સજા ફટકારવામાં આવી છે. સેશન્સ કોર્ટે આરોપી ગોવિંદ નટને 10 વર્ષની સજા સાથે 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આરોપી આચાર્યને 10 વર્ષની સજા સાથે 2 લાખનો દંડ
આરોપીના વકીલના જણાવ્યા અનુસાર, કોર્ટે POCSO અને હત્યાના કેસને નકારી દીધો છે અને કોર્ટે ગંભીર બેદરકારી માટે BNSની કલમ 105(2) હેઠળ સજા કરી છે. પોલીસે જે પણ તપાસ કરી હતી અને જે પુરાવા રજૂ કર્યા હતાં તે કોર્ટે માન્ય નથી રાખ્યા. નોંધનીય છે કે, કોર્ટે આ કલમ હેઠળ થતી વધુમાં વધુ સજા આરોપીને આપી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં પોલીસને બાળલગ્નની નનામી અરજી મળી, કાઝી સહિત 7 લોકોની અટકાયત
પોલીસ તપાસ સામે ઊઠ્યા સવાલ
જોકે, સમગ્ર મામલે પોલીસ તપાસ અને ચાર્જશીટ પર ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. POCSO અને હત્યાની કલમનો ચાર્જશીટમાં સમાવેશ હોવા છતાં કોર્ટમાં સાબિત ન થઈ શકવાના કારણે આરોપીને POCSO અને હત્યા મામલે નિર્દોશ જાહેર કરાયો અને ગંભીર બેદરકારીના કારણે 6 વર્ષની બાળકીનું મોત થયું હોવાને લઈને કોર્ટે સજા ફટકારી છે. 150 સાક્ષી સહિતની બાબતોનો સમાવેશ કરી રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહીના દાવા કરવામાં આવી રહ્યા હતા. આ મામલે સરકારે 31 સાક્ષી પણ તપાસ્યા હતાં, આ ઉપરાંત દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતાં. જોકે, માત્ર 34 સુનાવણીમાં જ કેસની ટ્રાયલ પૂર્ણ કરી હતી.
શું હતો સમગ્ર મામલો?
દાહોદ જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થિનીએ ધોરણ 1 માં એડમિશન લીધું હતું. નિયતક્રમ મુજબ 19 સપ્ટેમ્બર (ગુરૂવાર) સવારે 10 વાગ્યે વિદ્યાર્થિની શાળાએ જવા નિકળી હતી. પરંતુ શાળાનો સમય પૂરો થઈ ગયો હોવા છતાં ઘરે પરત ફરી ન હતી. જેથી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતાં. જ્યાં તપાસ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થિની લાશ મળી આવી હતી. દીકરીનો મૃતદેહ જોઈને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારબાદ પરિવારજનો વિદ્યાર્થિનીને લઈને દવાખાને દોડ્યા હતા, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, શાળામાં ગોવિંદ નટ નામના આચાર્યે બાળકીની હત્યા કરી હતી. આચાર્ય ગોવિંદ નટે શાળાના સમય પહેલાં સવારે તેની માતા પાસેથી લગભગ 10 વાગ્યાની આસપાસ બાળકીને લઈને ગાડીમાં બેસાડી હતી. બાદમાં ગાડીમાં જ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ જ્યારે ત્યાં બૂમાબૂમ કરી તો તે ચીસો ન પાડે તે માટે બે મિનિટ સુધી તેનું ગળું દબાવ્યું, જેનાથી બાળકીનું ગાડીમાં જ મોત નીપજ્યું હતું. આખો દિવસ બાળકીને ગાડીમાં જ રાખવામાં આવી. ગાડીમાં કાળા કાચ હોવાથી ગાડીની અંદર શું છે તે કોઈ જોઈ ન શકે તેથી ગાડીને શાળામાં જ લાવીને પાર્ક કરી દેવાઈ હતી. શાળા છૂટ્યા બાદ આચાર્ય દ્વારા તેને શાળાની અંદર જ ખાડો ખોદીને દફનાવવામાં આવી અને પોલીસને ખોટા રસ્તે દોરવા બાળકીના ચંપલ તેના ક્લાસ રૂમની બહાર મુકી દેવાયા હતાં.