Get The App

હું ભાગેડુ નથી, PMના કાર્યક્રમ માટે સંખ્યા ભેગી કરવાની વ્યવસ્થા કરી રહ્યો છું: MLA બચુ ખાબડ

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
હું ભાગેડુ નથી, PMના કાર્યક્રમ માટે સંખ્યા ભેગી કરવાની વ્યવસ્થા કરી રહ્યો છું: MLA બચુ ખાબડ 1 - image


Bachubhai Khabad Reaction on Dahod MGNREGA Scam: દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં 100 કરોડ રૂપિયા કરતા પણ વધુનો ભ્રષ્ટાચાર કરાનારા મંત્રીપુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ બાદ બચુ ખાબડ છેલ્લાં ઘણાં સમયથી સંપર્ક વિહોણ હતાં. સાથે જ તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં પણ દેખાતા નહોતા. જેથી કોંગ્રેસે બચુ ખાબડના રાજીનામાની માગ સાથે અનેક પ્રહાર કર્યા હતા. જોકે, હવે આટલા સમય બાદ બચુ ખાબડનું નિવેદન સામે આવ્યું છે. બચુ ખાબડે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી તેથી ખોટા આરોપો લગાવે છે અને મારા બંને પુત્રો નિર્દોષ છે. બંને દીકરાની માત્ર સપ્લાઇ એજન્સી છે અને તેઓ તપાસમાં સહકાર આપશે. હું કોઈ ભાગેડું ધારાસભ્ય કે મંત્રી નથી હું પ્રજાની વચ્ચે જ છું હું PMના કાર્યક્રમ માટે સંખ્યા ભેગી કરવાની વ્યવસ્થા કરી રહ્યો છું' જોકે, વાત વાતમાં તેમણે એવો પણ ઘટસ્ફોટ કર્યો કે, શ્રમિક કામ માટે અમારી એજન્સીને કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં નહતો આવ્યો.  

પુત્રોને સામેથી જ પોલીસ સમક્ષ હાજર કર્યાનો બચુ ખાબડનો દાવો

આટલા દિવસોથી સંપર્કવિહોણા રહ્યા બાદ બચુભાઈ ખાબડે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'અત્યારે દાહોદ જિલ્લામાં મનરેગાને લઈને કોંગ્રેસ અમારા પર આક્ષેપો કરી રહી છે કે, બચુભાઈના પુત્રોએ એજન્સીના માધ્યમથી ભ્રષ્ટાચાર કર્યો છે અને આ બાબતે FIR પણ થઈ છે. જોકે, સત્ય બાબત હવે બહાર આવશે. મારા દીકરાઓ પર આક્ષેપ કરાયો છે પરંતુ, મેં તેમને સામેથી જ પોલીસ સામે હાજર કરી દીધા છે. અમે સરકારની મદદ કરી રહ્યા છીએ, જે તપાસ ચાલી રહી છે તેમાં પૂરતો સહયોગ પણ આપીએ છીએ.'

આ પણ વાંચોઃ આગામી 3 કલાક ગુજરાતના 4 જિલ્લા પર ભારે, પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી

હું કોઈ ભાગેડું નથી...

કેબિનેટ બેઠકમાં ગેરહાજરીને લઈને બચુભાઈએ કહ્યું કે, 'દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી તારીખે ગુજરાત આવી રહ્યા છે, તેથી હું આજે કેબિનેટની બેઠકમાં ગયો નથી. વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે હું ધાનગડમાં બેઠક કરી રહ્યો છું, ત્યારબાદ દેવગઢ બારિયા જવાનો છું અને આખી વ્યવસ્થા સંભાળી રહ્યો છું. આ વિશે મેં મુખ્યમંત્રીને આજનો રિપોર્ટ પણ આપી દીધો છે. હું ગુજરાતમાં ફરી રહ્યો છું તો કેવી રીતે મારા પર આક્ષેપ કરાઈ રહ્યા છે કે, મંત્રી ભાગેડું છે અને ભૂગર્ભમાં છે? સમગ્ર કેસને લઈને તપાસ થઈ રહી છે અને તે તપાસનો વિષય છે. મને સરકાર અને તપાસ એજન્સીઓ પર વિશ્વાસ છે. જે પણ પરિણામ આવશે તે ભવિષ્યમાં સામે આવી જશે.'

જાહેર જીવન છોડી દેવાની બચુભાઈ ખાબડની તૈયારી

બચુભાઈ ખાબડે વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આવા આક્ષેપો કોંગ્રેસ હંમેશા કરતી આવી છે. 2018માં જ્યારે હું ચોથીવાર ચૂંટાયો ત્યારે પણ મારી સામે આવા આક્ષેપો કરવામાં આવ્યા હતાં. ત્યારે પણ તેઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને બંનેને હાઈકોર્ટે રદ કરીને કહ્યું હતું કે, આમાં કોઈ તથ્ય નથી. કોંગ્રેસ હાલ વિકાસની બીજી કોઈ વાત કરી શકે તેમ નથી તેથી આવા ખોટા આરોપો મૂક્યા રાખે છે. હું ત્રણ વર્ષથી ગુજરાત સરકારના પંચાયત મંત્રી તરીકે કામ કરૂ છું અને કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. જો કોંગ્રેસ એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવે તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. મને સરકાર અને સરકારી એજન્સી પર સંપૂર્ણ વિશ્વાસ છે અને અમે તેમની કાર્યવાહીમાં સહયોગ કરી રહ્યા છીએ.'

આ પણ વાંચોઃ PHOTOS: જામનગરમાં મરીન સેન્ચુરી અને ખીજડીયા બર્ડ સેન્ચુરી વિસ્તારમાં પણ બુલડોઝર એક્શન

શું છે સમગ્ર મનરેગા કૌભાંગ? 

દાહોદ જિલ્લાના મનરેગા કૌભાંડમાં ફક્ત ત્રણ ગામોમાં 71 કરોડ રૂપિયાની ગેરરીતિ સામે આવી છે. બંને મંત્રીપુત્રોએ 29.45 કરોડ રૂપિયાના કામો માત્ર કાગળ પર જ કર્યા હોવાનો આક્ષેપ છે. મંત્રીના મોટા પુત્ર બળવંત ખાબડે રાજશ્રી કન્સ્ટ્રકશન કુ. પીપરો મારફતે કરેલા 9 કરોડ રૂપિયાના કામોમાં 82 લાખ રૂપિયાના કામોમાં કૌભાંડ આચર્યું છે. જ્યારે કિરણ ખાબડની શ્રી રાજ ટ્રેડર્સ કંપનીએ 2021થી 2024 દરમિયાન 30 કરોડ ઉપરાંતના કામોમાં ગોટાળા કર્યા હોવાનો આરોપ છે. આ સાથે એન.જે કન્ટ્રક્શનના માલિક પાર્થ બારિયાએ સરકારને 5.2 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાનો દાવો છે.


Tags :