મ્યુનિસિપલ તંત્ર ઉંઘતુ ઝડપાયું , પીરાણા ડમ્પસાઈટ ઉપર જ કેમિકલયુકત પાણી બેરોકટોક છોડાયું
ધસમસતા પ્રવાહમાં કેમિકલવાળુ પાણી છોડાયુ તેમ છતાં એડીશનલ સિટી ઈજનેર કહે છે, વરસાદનુ પાણી હશે
અમદાવાદ,શનિવાર,4
ઓકટોબર,2025
અમદાવાદમાં કેમિકલ માફીયાઓને મ્યુનિસિપલ કોર્પોરેશન કે
જી.પી.સી.બી.નો કોઈ ડર રહયો ના હોય તેમ
પીરાણા ડમ્પસાઈટ ઉપર જ પાછળના ભાગમાં
આવેલા ઈન્ડસ્ટ્રીયલ એકમો દ્વારા ટ્રીટ કર્યા વગરનુ ગંદુ પાણી છોડાયુ હતુ.આ
પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે પાણીના
ધસમસતા પ્રવાહમાં જે ચીજ આવી તેને અડફેટે લેવાઈ હોવાનો વિડીયો પણ વાઈરલ થયો છે. આમ
છતાં કોર્પોરેશનના એડીશનલ સિટી ઈજનેર અમિત પટેલે પહેલા કહયુ,બે દિવસ પહેલા
પડેલા વરસાદનુ પાણી હશે.તરત જ ફેરવી તોળી કહયુ, ઝોન લેવલે કામગીરી થતી હોવાથી હું તપાસ કરાવુ છું.
પ્રાપ્ત વિગત અનુસાર,
પીરાણા ડમ્પસાઈટની આસપાસ અનેક ગેરકાયદેસર એકમો ધમધમી રહયા છે.કેટલાક એકમોને
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સીલ પણ કરી દેવામા આવ્યા હતા.પરંતુ આ સીલ
કરેલા એકમોમાં જ રાત્રિના સમયે જ ગેરકાયદે કામગીરી ચાલતી રહે છે.એકમો સીલ હોવાથી
આવી ફેકટરીઓ પાસે ડ્રેનેજની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી તેમના દ્વારા ટ્રીટ કર્યા
વગરનુ કેમિકલયુકત પાણી ખુલ્લેઆમ છોડવામાં આવી રહયુ છે.નોંધપાત્ર બાબત એ છે કે,કોર્પોરેશનની
કચરાની મુખ્ય ડમ્પસાઈટ ઉપર જ કેમિકલયુકત પાણી છોડવામા આવી રહયુ હોવાની બાબતથી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે મ્યુનિસિપલ કોર્પોરેશન કેવી રીતે અજાણ હોઈ શકે?ડમ્પસાઈટ ઉપરના
વિસ્તારમાં બે દિવસથી કેમિકલયુકત પાણી બરોકટોક છોડવામા આવી રહયા છે.ગુજરાત
હાઈકોર્ટના આદેશના પગલે ટ્રીટ કર્યા વગર કેમિકલયુકત પાણી છોડતા એકમોના જોડાણ સીલ
કર્યા હોવાના કોર્પોરેશનના દાવા પોકળ સાબિત થયા છે. કેમિકલયુકત પાણી છોડાયા છે એ
ઘટનાક્રમના સી.સી.ટી.વી. ફુટેજ પણ સામે આવ્યા છે. આટલી મોટી ઘટના બનતી હોવા છતાં
બીજી ઓકટોબરે વિડીયો વાઈરલ થયા પછી પણ કોર્પોરેશનના સંબંધિત વિભાગના કોઈ અધિકારીએ
તપાસ કરવાની તસ્દી સુધ્ધા લીધી નથી.
કેમિકલયુકત પાણીની સુનામી ,બેદરકારી કોની?
-હાઈકોર્ટના
આદેશથી કોર્પોરેશને એકમો સીલ કર્યા હોય તો આ પાણી કયાંથી છોડાયું?
-સીલ
કરાયેલા એકમોની વીજ કનેકશન કયા કારણથી કપાયા નથી.
-એકમો સીલ
હોવા છતાં રાત્રે થતી કામગીરીથી તંત્ર અજાણ કઈ રીતે હોઈ શકે?
-જી.પી.સી.બી.કે
કોર્પોરેશન દ્વારા રાત્રે કેમ તપાસ કરાતી નથી.
-બહેરામપુરા-દાણીલીમડામા
ગેરકાયદે ફેકટરીઓ સામે કાર્યવાહી કેમ નહીં?
-સ્થાનિકોને
ગેરકાયદે પ્રવૃત્તિની જાણ હોય તો તંત્રને કેમ ના હોય.
-કેમિકલની
સુનામીનો વિડીયો વાઈરલ થયા પછી પણ કેમ કાર્યવાહી નથી કરાઈ?